✕

ગોરેગામમાં ગુજરાતી પરિવારના ઘરમાં ૪.૮૦ લાખ રૂપિયાના દાગીના પર નોકરે કરી હાથસફાઈ

05 October, 2026 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂળ અલાહાબાદના રહેવાસીને એક મહિનાથી જ ઘરમાં ૨૪ કલાકની નોકરીએ રાખ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામ-વેસ્ટના તીન ડોંગરી વિસ્તારમાં રહેતાં ૪૮ વર્ષનાં ગુજરાતી મહિલાના ઘરમાંથી ૪,૮૦,૦૦૦ રૂપિયાના દાગીના ચોરવાના આરોપસર ગોરેગામ પોલીસે તેમના ઘરમાં કામ કરતા નોકર સામે ચોરીની ફરિયાદ નોંધી છે. પરિવારનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. નોકર ઘરમાં ૨૪ કલાક કામ કરતો હતો. આ કેસમાં નોકર ઘરમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કેદ થઈ ગયો હતો. પોલીસે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ગોરેગામ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૦ સપ્ટેમ્બરે રાત્રે ૧૧.૩૦ વાગ્યે પરિવારના તમામ સભ્યો હંમેશ મુજબ ઊંઘી ગયા હતા. બીજા દિવસે સવારે ફરિયાદી મહિલા પૂજા કરવા માટે ઘરના મંદિરમાં ગયાં ત્યારે ભગવાનની મૂર્તિ પરથી ચાંદીના બાજુબંધ ગાયબ જણાયા હતા. આ વિશે ઘરના સભ્યોને જાણ કરતાં તિજોરી અને અન્ય સામાન ચકાસવામાં આવ્યાં હતાં. એમાં ૧.૫૦ લાખ રૂપિયાની ૧૫ ગ્રામની સોનાની બંગડી, ૩ લાખ રૂપિયાનું ૩૫ ગ્રામનું સોનાનું કડું અને ૨૫,૦૦૦ રૂપિયાના ચાંદીના બે ગ્લાસ પણ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ઘરમાં લગાવેલા CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસતાં ચોરીનો પર્દાફાશ થયો હતો. એમાં નોકર કબાટમાંથી ચાંદીના ગ્લાસ ચોરતો સ્પષ્ટપણે કૅમેરામાં કેદ થયો હતો. આરોપી નોકર બીજી ઑક્ટોબરે સવારે ૫.૩૦ વાગ્યે પોતાનો તમામ સામાન લઈને ભાગી ગયો હતો. મૂળ અલાહાબાદનો રહેવાસી નોકર છેલ્લા એક મહિનાથી જ ઘરમાં ૨૪ કલાકની નોકરીએ રહ્યો હતો. અમે CCTV કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ-નંબરના આધારે આરોપીની તપાસ શરૂ કરી છે.’

mumbai news goregaon Crime News mumbai crime news mumbai police