03 May, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાશીની APMC માર્કેટ, કોલ્ડ સ્ટોરેજ અને ગોડાઉનમાં પોલીસે ગઈ કાલે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.
નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની ફ્રૂટમાર્કેટમાં વિદેશથી મોટા પ્રમાણમાં ફ્રૂટ્સ આયાત કરવામાં આવે છે. આ ફ્રૂટ્સની સાથે ડ્રગ્સની પણ હેરાફેરી કરવામાં આવતી હોવાનો આરોપ માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે ગુરુવારે કર્યો હતો. એને પગલે APMC પોલીસે ફ્રૂટમાર્કેટ સહિત આસપાસમાં ગઈ કાલે વ્યાપક કાર્યવાહી શરૂ કરીને ૧૫૦ શંકાસ્પદોને તાબામાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું.
માથાડી કામગાર નેતા નરેન્દ્ર પાટીલે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીંની ફ્રૂટમાર્કેટમાં મોટા પ્રમાણમાં ફ્રૂટ્સની વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. જોકે આયાત કરવામાં આવેલા માલની તપાસ કરવાની કોઈ સિસ્ટમ નથી. આથી કેટલાક લોકો ફ્રૂટ્સની આડમાં નશીલા પદાર્થની હેરાફેરી નવી મુંબઈની APMC માર્કેટમાં કરતા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. બીજું, કેટલાંક ગુંડા તત્ત્વો અહીં નકલી માથાડી કામગારનું યુનિયન બનાવીને ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે. આવા લોકોને કારણે માથાડી કામગારોની બદનામી થઈ રહી છે. પોલીસે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ એવી અમે માગણી કરીએ છીએ, પણ એકલદોકલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે.’
APMC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજય શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘APMC માર્કેટમાં પોલીસ દ્વારા અવારનવાર કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરવામાં આવે છે. આવી જ રીતે ગઈ કાલે અમે ૮ કોલ્ડ સ્ટોરેજ અને ગોદામ સહિત આખી માર્કેટમાં વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી. અહીં ગેરકાયદે બંગલાદેશીઓ પણ કામ કરતા હોવાની માહિતીના આધારે તમામ કામગારોના ડૉક્યુમેન્ટ્સ પણ તપાસવવામાં આવ્યા હતા. ૧૫૦ શંકાસ્પદોને તાબામાં લીધા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી છે.’
APMCની ફ્રૂટમાર્કેટમાં વિદેશથી આયાત કરવામાં આવતાં ફ્રૂટ્સની સાથે નશીલા પદાર્થની પણ હેરાફેરી થતી હોવાના આરોપ વિશે ફ્રૂટમાર્કેટના વેપારી અને APMCના ભૂતપૂર્વ ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલાં ફ્રૂટ્સ આયાત કરનારા એક વેપારીના કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. માર્કેટની અંદર ડ્રગ્સ નથી આવતું, પણ વિદેશથી માલ આવે છે એ કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉનમાં રાખવામાં આવે છે. એમાં ઘણી વાર નશીલા પદાર્થને છુપાવીને લાવવામાં આવતો હોવાનું જોવા મળ્યું છે. ફ્રૂટ્સના નામે વિદેશથી બીજું શું આયાત કરવામાં આવે છે એ તપાસવા માટેની કોઈ સિસ્ટમ જ નથી. અમે વર્ષોથી વિદેશી માલની ચકાસણી અને એના પર નિયંત્રણ લાવવા માટે માગણી કરી રહ્યા છીએ. તાજેતરમાં પણ મંત્રાલયમાં અમે આ વિશે બેઠક કરી હતી. બેઠક બાદ જોકે કંઈ નથી થતું. આયાત કરવામાં આવેલા ફ્રૂટ્સનું વેચાણ APMC મારફત જ કરવાનો નિયમ બનાવવામાં આવે તો બીજા બધા ગોરખધંધા બંધ થઈ જશે.’