અભિષેક ઘોસાળકરનાં પત્ની અને તેમની હત્યાના સાક્ષીને જાનથી મારી નાખવાની વૉટ્સઍપ ગ્રુપ પર ધમકી

06 April, 2025 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વૉટ્સઍપ ગ્રુપમાં શૅર કરવામાં આવેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે લાલચંદ ઇનકો દેખકર સુધર જા, ઇસકી બીવી કો મત મરવા દેના લાલચંદ.

તેજસ્વી ઘોસાળકર

ઉદ્ધવસેનાનાં દહિસર વિસ્તારનાં ભૂતપૂર્વ નગરસેવિકા તેજસ્વી ઘોસાળકરના પતિ અભિષેકની એક વર્ષ પહેલાં ફેસબુક લાઇવ દરમ્યાન થયેલી હત્યાને લીધે આખું શહેર હચમચી ગયું હતું. હવે તેજસ્વી ઘોસાળકર માટે પણ ધમકીભર્યો મેસેજ આવ્યો છે.

એક વૉટ્સઍપ ગ્રુપમાં શૅર કરવામાં આવેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે લાલચંદ ઇનકો દેખકર સુધર જા, ઇસકી બીવી કો મત મરવા દેના લાલચંદ. લાલચંદ પાલ અભિષેક ઘોસાળકરની હત્યાનો સાક્ષી હોવાની સાથે ઉદ્ધવસેનાનો કટ્ટર કાર્યકર છે. આ મેસેજ જોયા બાદ તેજસ્વી ઘોસાળકર અને લાલચંદ પાલે બોરીવલીના એમએચબી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

લાલચંદ પાલે પોલીસમાં કરેલી ફરિયાદમાં કહ્યું છે કે ‘તેને ‌રિયાઝ નામના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. રિયાઝે તેને કહ્યું હતું કે નવાઝ નિયાઝ કમિટી નામના એક વૉટ્સઍપ ગ્રુપમાં શરીફ નામની વ્યક્તિએ અભિષેક ઘોસાળકરના ફોટો સાથે મેસેજ પોસ્ટ કર્યો હતો. એમાં લખ્યું હતું કે લાલચંદ, ઇનકો દેખ કર સુધર જા, ઇસકી બીવી કો મત મરવા દેના લાલચંદ. આ રીતે આ મેસેજમાં મને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.’

તેજસ્વી ઘોસાળકરે પણ પોલીસમાં ફરિયાદ નોંધાવીને વૉટ્સઍપ ગ્રુપમાં તેના પતિ અભિષેકના ફોટો સાથે પોતાના નામનો ઉલ્લેખ કરીને ધમકીભરી પોસ્ટ કરનારા સામે કાર્યવાહી કરવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

dahisar uddhav thackeray abhishek ghosalkar murder case Crime News mumbai crime news shiv sena