કચ્છના પૅસેન્જરો માટે વલસાડમાં આવતી કાલે તીથલ સૅનેટોરિયમમાં કરાઈ નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા

21 May, 2022 08:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેમાં આવતી કાલે મેગા બ્લૉક હોવાથી કચ્છથી મુંબઈ આવતી સયાજી એક્સપ્રેસને દાદરને બદલે બીલીમોરા સ્ટેશન પર અને કચ્છ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર જ ટર્મિનેટ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : વેસ્ટર્ન રેલવેમાં આવતી કાલે મેગા બ્લૉક હોવાથી કચ્છથી મુંબઈ આવતી સયાજી એક્સપ્રેસને દાદરને બદલે બીલીમોરા સ્ટેશન પર અને કચ્છ એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર જ ટર્મિનેટ કરવામાં આવશે. આથી આ બન્ને સ્ટેશનો પર અટવાયેલા પૅસેન્જરોની સુવિધા માટે મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન તરફથી વલસાડ પાસે આવેલા તીથલ ગામમાં ઍન્કરવાલા આરોગ્યધામમાં નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 
આ બાબતની માહિતી આપતાં મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તીથલમાં મુંબઈ ગ્રેન ડીલર્સ અસોસિએશન ‌પબ્લિક ચૅરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તીથલ સૅનેટોરિયમ (ઍન્કરવાલા આરોગ્યધામ)ના બીજા માળે આવેલા પ્રિન્ચ બૅન્ક્વેટ હૉલમાં પ્રવાસીઓના રહેવા માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. જે પૅસેન્જરો તીથલના ઍન્કરવાલા આરોગ્યધામમાં રહેવા જશે તેમની પાસે રેલવે ટિકિટ હોવી જરૂરી છે. સૅનેટોરિયમમાં રેલવે ટિકિટ બતાવવી ફરજિયાત છે. આ જ સૅનેટોરિયમમાં જમવાની વ્યવસ્થા પણ છે, જે માટે કચ્છથી આવેલા પૅસેન્જરોએ પૈસા ચૂકવવાના રહેશે.’ 

mumbai news kutch