ફોર્ટની રેસ્ટોરાંમાં આગ, સબ સલામત: કુર્લા સ્ટેશન નજીક પાર્ક કરેલી કચરો ભરેલી ટ્રેનમાં આગ લાગી

09 January, 2026 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટ્રેનનો ઉપયોગ રેલવે-ટ્રૅક પરથી કચરો એકઠો કરવા માટે થાય છે. સ્પેશ્યલ ટ્રેનના એક કોચમાં લાગેલી આગનું કારણ હજી સુધી જાણી શકાયું નહોતું.

ફોર્ટની રેસ્ટોરાંમાં આગ, સબ સલામત: કુર્લા સ્ટેશન નજીક પાર્ક કરેલી કચરો ભરેલી ટ્રેનમાં આગ લાગી

ગુરુવારે બપોરે ફોર્ટમાં એક રેસ્ટોરાંના રસોડામાં આગ લાગી હતી. આગ સામાન્ય હોવાને કારણે   એક કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાનિ થઈ નહોતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના જણાવ્યા મુજબ કોચી સ્ટ્રીટ પર નેટિવ બૉમ્બે રેસ્ટોરાંના પહેલા માળે આવેલા રસોડામાં બપોરે ૧૨.૫૯ વાગ્યે આગ લાગી હતી. ફાયર-ફાઇટરોએ લગભગ એક કલાકની કામગીરી પછી આગને સફળતાપૂર્વક ઓલવી નાખી હતી અને બપોરે ૧.૫૫ વાગ્યા સુધીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

કુર્લા સ્ટેશન નજીક પાર્ક કરેલી કચરો ભરેલી ટ્રેનમાં આગ લાગી

ગુરુવારે સાંજે કુર્લા સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ નજીક પાર્ક કરેલી કચરો અને કાટમાળ ભરેલી સ્પેશ્યલ ટ્રેનમાં આગ લાગતાં સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇનની લોકલ ટ્રેનના ટાઇમટેબલને અસર થઈ હતી. સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે ‘આગ રાતે ૮.૩૦ વાગ્યે લાગી હતી. સાવચેતીનાં પગલારૂપે ઓવરહેડ ઇક્વિપમેન્ટમાં લગભગ ૨૫ મિનિટ માટે વીજપુરવઠો સ્થગિત કરવામાં આવ્યો હતો, જેને કારણે અપ સ્લો લાઇન પર ટ્રેનો અડધો કલાક બંધ રહી હતી.’ 
આ ટ્રેનનો ઉપયોગ રેલવે-ટ્રૅક પરથી કચરો એકઠો કરવા માટે થાય છે. સ્પેશ્યલ ટ્રેનના એક કોચમાં લાગેલી આગનું કારણ હજી સુધી જાણી શકાયું નહોતું.

fire incident fort mumbai fire brigade kurla central railway mumbai local train