30 March, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જીમની અંદરના સીસીટીવી કૅમેરામાં મારપીટની ઘટના કેદ થઈ હતી (તસવીર: મિડ-ડે)
મુંબઈના ગોરેગાંવ પૂર્વમાં એક જીમમાં ટ્રાઇસેપ્સ માટેના કસરતના સાધનો અંગેનો વિવાદ હિંસામાં ફેરવાઈ ગયો, જેના કારણે એક વ્યક્તિને ત્રણ અન્ય જીમ સભ્યો દ્વારા માર મારવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. 25 વર્ષીય પીડિત, જેની ઓળખ ગૌરવ મિશ્રા તરીકે થઈ છે, જે વ્યવસાયે આર્કિટેક્ટ છે, તેને 25 માર્ચે ગોરેગાંવ પૂર્વમાં યુમાનિયા ફિટનેસ જીમની અંદર ત્રણ લોકોએ માર માર્યો હતો. વનરાઈ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ આરોપીઓની ઓળખ રાજ મુથ્થુ, લવ શિંદે અને કાર્તિક અમીન તરીકે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના દિવસે, ટ્રાઇસેપ્સ કસરતની તૈયારી કરતી વખતે, મુથ્થુ, જે ટ્રાઇસેપ્સ મશીન પાસે બૅન્ચ પર ચેસ્ટ પુશ-અપ્સ કરી રહ્યો હતો, તેણે મિશ્રાને દોરડું આપવા કહ્યું. જ્યારે મિશ્રાએ ના પાડી, ત્યારે મુથ્થુએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને પછી તેના પર હુમલો કર્યો. આ દરમિયાન મુથ્થુના બે મિત્રો, લવ શિંદે અને કાર્તિક અમીન પણ ઝઘડામાં જોડાયા અને ત્રણેયે મળીને મિશ્રા પર હુમલો કર્યો. ત્યારબાદ મુથ્થુએ મિશ્રાના માથા પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો જેને લીધે પીડિતને અનેક ઇજાઓ થઈ અને માથામાં અનેક ટાંકા આવ્યા.
૨૫ વર્ષીય જીમ ટ્રેનરે દરમિયાનગીરી કરી અને મિશ્રાને બચાવ્યો, જેને બાદમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મિશ્રાએ કહ્યું, “મને મારા પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલ સળિયો મળ્યો જેને મેં પોલીસને સોંપી દીધો. આશ્ચર્યજનક રીતે, જ્યારે પોલીસે સેન્ટરમાંથી આરોપીઓના સરનામાં માગ્યા, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. શું આનો અર્થ એ છે કે સેન્ટર કોઈપણ ઓળખપત્રની ચકાસણી કર્યા વિના પ્રવેશની મંજૂરી આપે છે?” મિશ્રાએ કહ્યું.
“જ્યારે હું ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયો, ત્યારે મારી તબિયત બગડવા લાગી. મને ચક્કર આવવા લાગ્યા, અને મારા પરિવારે મને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો,” મિશ્રાએ કહ્યું. “વધુમાં, FIRમાં તે બધી કલમો અમેલ નથી જે લાગુ થવી જોઈતી હતી. આ આરોપીઓ સામે હત્યાના પ્રયાસની કલમ પણ સામેલ થવી જોઈએ,” મિશ્રાએ કહ્યું. “BNS ની સંબંધિત કલમો હેઠળ વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. અમે આરોપીઓને સમન્સ પાઠવ્યા છે અને નોટિસ જાહેર કરી છે,” સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ માનેએ જણાવ્યું.
ગોરેગાંવની એક જિમમાં બનેલી આ ઘટના જિમમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. આ સીસીટીવીની ફૂટેજ પોલીસે મેળવી લીધી છે અને તેને આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમ જ જિમ મેનેજમેન્ટ સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે હજી સુધી જાણી શકાયું નથી, એવી માહીતી સૂત્રોએ આપી હતી.