ભાઈંદરના નાના-નાની ગ્રાઉન્ડમાંથી ગુમ થયેલાં સાત ગલૂડિયાંને ગુજરાતી પ્રાણીપ્રેમીઓએ શોધી કાઢ્યાં

26 April, 2024 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાંનાં ૬ ગલૂડિયાં ગંભીર હાલતમાં હોવાથી એમને લઈ ગયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની થઈ માગણી : એક ગ​લૂડિયાનું મૃત્યુ

ગ્રાઉન્ડ પર પાછાં આવેલાં ડૉગીનાં બચ્ચાં.

ભાઈંદર-વેસ્ટમાં નાઇન્ટી ફીટ રોડ પર નાના-નાની ગ્રાઉન્ડમાં એક ડૉગીએ જન્મ આપેલાં સાત ગલૂડિયાં આઠમી એપ્રિલે ગુમ થયાં હતાં. ત્યાર બાદ આ ગલૂડિયાંને જન્મ આપનારી ડૉગીને તડપતી જોઈને સ્થાનિક પ્રાણીપ્રેમીઓએ બેથી ત્રણ દિવસ આસપાસના વિસ્તારોમાં એમને શોધ્યાં હતાં. જોકે ગલૂડિયાંની કોઈ ભાળ ન મળતાં પ્રાણીપ્રેમી ચેતન દવેએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ગલૂડિયાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગ્રાઉન્ડની બહારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ તપાસીને ગલૂડિયાંને લઈ જનાર વ્ય​ક્તિને શોધીને છ ગલૂડિયાં પાછાં મેળવ્યાં હતાં. 

પોતાનાં સાત બચ્ચાં ગુમ થવાથી એ ડૉગી અહીં-ત્યાં ભટકી રહી હતી એમ જણાવતાં ચેતન દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગલૂડિયાં ગુમ થયાં ત્યારે અમે બધા પ્રાણીપ્રેમીઓએ આશરે બેથી ત્રણ દિવસ આસપાસના વિસ્તારોમાં એમને શોધ્યાં હતાં. જોકે ક્યાંય ગલૂડિયાંની ભાળ ન મળતાં અમે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસની મદદથી આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં ગલૂડિયાંને લઈ ગયેલા વાહનની માહિતી મળી હતી. તેમને પોલીસ દ્વારા વૉર્નિંગ આપવામાં આવતાં તેઓ છ ગલૂડિયાં પાછાં મૂકી ગયા હતા. સાતમાંથી એક ગલૂડિયાનું મૃત્યુ થયું હતું.’

ગલૂડિયાંને લઈ ગયેલી વ્ય​ક્તિઓ વનવિભાગના અધિકારીઓ હતા એની પાછળથી અમને જાણ થઈ હતી એમ જણાવીને ચેતન દવેએ કહ્યું હતું કે ‘ગ્રાઉન્ડમાંથી એમને હટાવીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાની યોજના હતી. જે જગ્યાએ ગલૂડિયાંને મૂકવામાં આવ્યાં હતાં ત્યાં એમના ખાવાની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવી હોય એટલે એમણે કોઈ પણ વસ્તુ ખાધી હતી જેને કારણે તમામને હાઇપર-ગૅસ્ટ્રોની બીમારી થઈ છે. આ બધાં ગલૂડિયાંને દિવસમાં બે વાર ગ્લુકોઝ ચડાવવો પડે છે.’

bhayander mira bhayandar municipal corporation mumbai news