મફતની સાડી અને પૈસા લેવા ગયા એમાં દાગીના ગુમાવ્યા

19 April, 2024 08:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુંભારવાડામાં રહેતાં ૬૭ વર્ષનાં ગુજરાતી મહિલા દેરાસરથી ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં લાલચમાં ફસાવી તેમના દોઢ લાખના દાગીના લઈને ગઠિયાઓ પલાયન થઈ ગયા : આ આઘાતમાં તેઓ બે ​દિવસથી જમ્યાં નથી

પ્રતીકાત્મક તસવીર

ધારાવીના કુંભારવાડામાં સમાજ હૉલની નજીક રહેતાં ૬૭ વર્ષનાં દિવાળી દેવલિયા મંગળવારે બપોરે અઢી વાગ્યે માટુંગા જૈન દેરાસરમાં રસોઈનું કામ પતાવીને ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે કિંગ્સ સર્કલ પાસે પહોંચતાં બે લોકો તેમને મળ્યા હતા. આ બન્નેએ ​દિવાળીબહેનને વાતોમાં ભોળવી તેમણે પહેરેલા દાગીના કઢાવીને એક થેલીમાં મુકાવી દીધા હતા અને એ થેલીને જમીન પર રાખીને ભગવાનને પ્રાર્થના કરવા કહ્યું હતું. એ પછી આશરે દોઢ લાખ રૂપિયાના દાગીના લઈને બન્ને જણ પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની ફરિયાદ સાયન પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. 
આ બનાવના આઘાતમાં મારાં સાસુ છેલ્લા બે દિવસથી જમ્યા નથી એમ જણાવતાં દિવાળીબહેનના જમાઈ વાઘજીભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો સાળો ઑસ્ટ્રેલિયામાં નોકરી કરે છે અને ઘરખર્ચ કાઢવા માટે મારાં સાસુ રસોઈનું કામ કરે છે. મંગળવારે સવારે તેઓ માટુંગા દેરાસરમાં આયંબિલની રસોઈ કરવા ગયાં હતાં. ત્યાંથી અઢી વાગ્યે કામ પૂરું કરીને અન્ય મહિલાઓ સાથે તેઓ ઘરે આવી રહ્યાં હતાં. તેમના પગમાં દુખાવો થતો હોવાથી તેમણે સાથે રહેલી મહિલાઓને કહ્યું કે તમે આગળ જાઓ, હું ધીમે-ધીમે આવું છું.

રસ્તામાં તેમને બે માણસો મળ્યા હતા. તેમણે મારી સાસુને કહ્યું કે અમારા શેઠ ૨૫૦૦ રૂપિયા અને એક સાડી ગરીબ મહિલાઓને આપી રહ્યા છે, એ જોઈતાં હોય તો તમે ગરીબ છો એમ દેખાવું જોઈએ. તેઓ લાલચમાં આવીને સાડી અને રોકડ લેવા તૈયાર થયાં હતાં. ત્યારે તે માણસોએ કહ્યું હતું કે તમે શરીર પર પહેરેલા તમામ દાગીના કાઢીને થેલીમાં મૂકી દો. મારાં સાસુએ પોતે પહેરેલી ગળાની ચેઇન અને બુટ્ટી કાઢીને થેલીમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ બન્ને જણે કહ્યું કે શેઠ હમણાં આવશે, તમે થેલી જમીન પર મૂકીને ભગવાનને પ્રાર્થના કરો. એટલે તેઓ થેલી જમીન પર મૂકી આંખો બંધ કરીને પ્રાર્થના કરવા લાગ્યાં હતાં. થોડી વાર બાદ તેમણે આંખો ખોલી ત્યારે તેમની થેલી અને બે માણસો દેખાયાં નહોતા. એટલે તેમને ખાતરી થઈ કે બે માણસોએ તેમને વાતમાં ફસાવીને છેતર્યાં હતાં. અંતે આ ઘટનાની ફરિયાદ ૧૭ એપ્રિલે સાયન પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી.’

અમે આ ઘટનાને અંજામ આપનારા આરોપીઓની બહુ જ નજીક છીએ. આ ઘટના જ્યાં બની હતી એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ અમને મળ્યાં છે. એના પરથી આરોપીઓની ઓળખ થઈ છે. વધુ માહિતી મેળવીને તેમની ધરપકડ કરવામાં આવશે.
- મનીષા શિર્કે, સાયન પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર 

mumbai news dharavi mumbai crime news Crime News