મોળો ​પ્રતિસાદ મળતાં હાર્બર લાઇનની એસી સર્વિસ થશે બંધ

11 May, 2022 07:56 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

હાર્બરની એસી લોકલ સેવા બંધ થતાં સેન્ટ્રલની મેઇન લાઇનમાં એસી લોકલનો વધારો થશે

મોળો ​પ્રતિસાદ મળતાં હાર્બર લાઇનની એસી સર્વિસ થશે બંધ

મુંબઈ : મુંબઈની વધતી ગરમીને લીધે વેસ્ટર્ન અને સેન્ટ્રલની એસી લોકલને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એમાં એસી લોકલની ટિકિટના ભાવ ઓછા થતાં પ્રવાસીઓનો વધુ સારો પ્રતિસાદ મળવા લાગ્યો છે, જ્યારે સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇનની એસી લોકલ પીક-અવર્સમાં ફુલ જતી હોય છે. આવી પરિસ્થિતિમાં હાર્બર લાઇનની એસી લોકલ સર્વિસ ટૂંક સમયમાં બંધ થવાની શક્યતા છે. હાર્બર લાઇન પર એસી લોકલને મળતા મોળા પ્રતિસાદને લઈને આવો ​નિર્ણય લેવાય એવી સંભાવના છે. જોકે એને પરિણામે મેઇન લાઇન પર આઠથી દસ એસી લોકલ સર્વિસનો વધારો થાય એવા સારા સમાચાર મેઇન લાઇનના પ્રવાસીઓને મળી રહે એમ છે, જ્યારે હાર્બર લાઇન પર એસી લોકલ બંધ થશે તો પાસહોલ્ડર પ્રવાસીઓનું શું કરવામાં આવશે એ વિશે કોઈ સ્પષ્ટતા થઈ નથી. 
એસી લોકલ સર્વિસની ટિકિટની ભાવમાં પચાસ ટકાનો ઘટાડો થતાં રેલવેની તમામ લાઇનની રેલવે સર્વિસમાં ધસારો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન પર આશરે પ્રવાસીઓનો ૬૦ ટકાનો વધારો થયો છે. એથી મેઇન લાઇન પર વધુ એસી લોકલ સર્વિસની આવશ્યકતા ઊભી થઈ છે.
સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘હાલમાં હાર્બર લાઇનમાં જાન્યુઆરી મહિનાથી ૧૬ એસી લોકલ દોડી રહી છે તેમ જ મેઇન લાઇનમાં ૪૪ એસી લોકલ ચલાવવામાં આવી રહી છે. મેઇન લાઇનની એસી લોકલ સવારના અને સાંજના સમયે ફુલ જતી હોય છે અને પ્રવાસીઓને ઊભા રહીને પ્રવાસ કરવો પડતો હોય છે. હાર્બર લાઇન પર એક રૅક છે અને એના પર ૧૬ એસી લોકલ સેવા અપાઈ રહી છે, પરંતુ પ્રવાસીઓનો ખૂબ જ મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા લાંબા સમયથી પ્રતિસાદ પર નજર રાખવામાં આવી રહી છે, પરંતુ એમાં વધારો થઈ રહ્યો નથી. એથી આ એસી લોકલ સેવાને દૂર કરવાનો વિચાર ચાલી રહ્યો છે. અહીંથી આ સેવા દૂર થતાં એક રૅક મળતી હોવાથી મેઇન લાઇન પર આઠથી દસ એસી લોકલ સેવાનો વધારો થઈ શકે છે. મેઇન લાઇન પર એસી લોકલને સારો પ્રતિસાદ મળે છે અને પ્રવાસીઓની માગણીને ધ્યાનમાં રાખીને અહીં વધુ સેવાની આવશ્યક્તા પણ છે. જોકે જૂન સુધીમાં નવી એસી લોકલ આવશે અને ત્યાર બાદ હાર્બર લાઇન પર એસી લોકલ શરૂ કરવાનો વિચાર કરાશે.’
સેન્ટ્રલ રેલવેના સિનિયર પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ વિષય પર વિચારણા ચાલી રહી છે.

mumbai news mumbai local train