ગરમી, વાદળછાયું આકાશ અને વીજળીની કડકડાટી

06 April, 2022 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ અને એની આસપાસ સહિત રાજ્યભરમાં આગામી ત્રણ-ચાર દિવસ ત્રણેય પ્રકારનું વાતાવરણ જોવા મળે એવી શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ મુંબઈ અને એની આસપાસ સહિત રાજ્યભરમાં આગામી ત્રણ-ચાર દિવસ ત્રણેય પ્રકારનું વાતાવરણ જોવા મળે એવી શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગમાં ભારે ગરમીની સાથે વાદળછાયું આકાશ અને વીજળીની કડકડાટી જોવા મળે એવી આગાહી કરી છે. એટલું જ નહીં, કોંકણના સિંધુદુર્ગ અને રત્નાગિરિ સહિત આસપાસના વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે. મુંબઈમાં ગઈ કાલે કોલાબા અને સાંતાક્રુઝમાં ૩૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી ૨૪થી ૪૮ કલાક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા હોવાથી મુંબઈગરાઓને તાપમાં થોડી રાહત મળી શકે છે. 
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ-ચાર દિવસ રાજ્યમાં એકસાથે સખત ગરમી પડશે, કેટલાંક ઠેકાણે આકાશમાં વાદળાં છવાયેલાં રહેશે અને જે વિસ્તારમાં વરસાદની શક્યતા છે ત્યાં વીજળીના કડાકા જોવા મળશે. દેશના વાયવ્ય દિશા તરફથી રાજ્યમાં ગરમીની લહેર આવી રહી હોવાથી વિદર્ભ, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ભયંકર વધારો થયો છે. આની સાથે અત્યારે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ નિર્માણ થવાથી દક્ષિણ કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં કેટલાંક સ્થળે વરસાદ પડવાની શક્યતા છે.

mumbai news mumbai weather