મુંબઈ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઠાકરેની યુવા પેઢી વચ્ચે જામશે જોરદાર જંગ

15 June, 2022 08:59 AM IST  |  Mumbai | Sameer Surve

બીએમસીના ઇલેક્શનમાં ઠાકરે પરિવારની યુવા પેઢી સામસામે

શિવસેનાના નેતા અને મુંબઈ સબર્બ્સના ગાર્ડિયન પ્રધાન આદિત્ય ઠાકરે અને એમએનએસની વિદ્યાર્થી પાંખના નેતા અમિત ઠાકરે.

મુંબઈ : શિવસેના અને બીજેપી બીએમસીની ચૂંટણીનાં મુખ્ય હરીફ છે ત્યારે ઠાકરે-પરિવારની બીજી પેઢીના આદિત્ય અને અમિત વચ્ચે પણ સ્પર્ધા જોવા મળશે. મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ - મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે વચ્ચે છેલ્લાં ૧૩ વર્ષથી રાજકીય સ્પર્ધા જોવા મળી રહી છે અને હવે તેમના પુત્રો પણ આ હરીફાઈમાં જોડાયા છે. સેનાએ મુંબઈના ચહેરા તરીકે આદિત્યને ઉતાર્યા છે, તો અમિતે પક્ષના કાર્યકરો અને યુવા સભ્યોને મળવાનું શરૂ કરી દીધું છે. એમએનએસની વિદ્યાર્થી પાંખે અમિતની આગેવાનીમાં એક અભિયાન શરૂ કર્યું છે. તેઓ એમએનએસની વિદ્યાર્થી પાંખના પ્રમુખ છે. ‘ચૂંટણીમાં અમિત મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેઓ કાર્યકરો અને યુવાન સભ્યોની સમસ્યા સમજવા તેમને મળી રહ્યા છે, એવું મનસેના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું.
આ તરફ મુંબઈ સબર્બ્સના ગાર્ડિયન મિનિસ્ટર આદિત્ય ઠાકરે સુધરાઈની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારશે. આદિત્ય ઠાકરે યુવાનોનો ચહેરો છે. ગાર્ડિયન મિનિસ્ટર તરીકે તેઓ નવી સંકલ્પના સાથે શહેરને વિકસાવવા માટે પહેલ હાથ ધરી રહ્યા છે એમ ભૂતપૂર્વ મેયર અને પક્ષપ્રવક્તા કિશોરી પેડણેકરે જણાવ્યું હતું.
નિષ્ણાતોનો મત
એમએનએસ રચાયા બાદ ઉદ્ધવ અને રાજ ઠાકરે પહેલી વાર ૨૦૦૯માં વિધાનસભાની ચૂંટણી વખતે આમને-સામને થયા હતા. એ ચૂંટણીમાં મુંબઈમાં સેના કરતાં મનસે વધુ બેઠક જીતી હતી, પણ ૨૦૦૯ પછી મનસેમાં ઘણો બદલાવ આવ્યો છે. હવે અમિત આદિત્યને કેટલી ટક્કર આપે છે એ જોવાનું રસપ્રદ થઈ પડશે એમ રાજકીય નિરીક્ષક પ્રકાશ અકોલકરે જણાવ્યું હતું. તો અન્ય એક રાજકીય નિરીક્ષક સંદીપ પ્રધાનના મતે આદિત્ય અને અમિતે ૨૦૧૭ની ચૂંટણીમાં તેમના પક્ષ માટે કામ કર્યું હોવા છતાં આ વખતે પરિસ્થિતિ જુદી છે. આદિત્ય હવે પ્રધાન છે અને એ સ્પષ્ટ છે કે તેમની જવાબદારી વધુ મોટી રહેશે. અમિત પણ ચૂંટણીમાં વધુ સક્રિય રહેશે.

mumbai news aaditya thackeray