શરદ પવારની હાજરીમાં થઈ મુંડે ભાઈ-બહેન વચ્ચે શાબ્દિક ટપાટપી

19 May, 2022 08:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકીય હરીફ અને પિતરાઈ ભાઈ-બહેન એનસીપીના નેતા ધનંજય મુંડે અને બીજેપીનાં પંકજા મુંડેએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

શરદ પવારની હાજરીમાં થઈ મુંડે ભાઈ-બહેન વચ્ચે શાબ્દિક ટપાટપી

મુંબઈ (પી.ટી.આઇ.) : રાજકીય હરીફ અને પિતરાઈ ભાઈ-બહેન એનસીપીના નેતા ધનંજય મુંડે અને બીજેપીનાં પંકજા મુંડેએ બુધવારે એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર એકબીજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉક્ટર તાત્યારાવ લહાણેની હૉસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે એનસીપીના પ્રમુખ શરદ પવારની હાજરીમાં ઉપરોક્ત ઘટના બની હતી. શરદ પવારે તેમના સંબોધન દરમિયાન ડૉક્ટર તાત્યારાવ લહાણેની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે ડૉક્ટર લહાણે આ હૉસ્પિટલ થકી જરૂરિયાતમંદોને દૃષ્ટિ આપવાનું ચાલુ રાખશે.
ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડેએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે ‘આપણા બીડ જિલ્લાના ગાર્ડિયન પ્રધાન અને અમારા ભાઈ ધનંજય મુંડે, મુંડે-મહાજનની ‘દૃષ્ટિ’થી જોઈને મોટા થયા છે અને હવે પવારસાહેબની ‘દૃષ્ટિ’થી જોઈ રહ્યા છે જેનું સદ્ભાગ્ય ઘણા ઓછા લોકોને સાંપડે છે.’
સ્વાભાવિક રીતે તેઓ બીજેપીના નેતાઓ ગોપીનાથ મુંડે અને પ્રમોદ મહાજનનો ઉલ્લેખ કરી રહ્યાં હતાં, જેમના માર્ગદર્શન હેઠળ ધનંજય મુંડેએ રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને ૨૦૧૩માં બીજેપી સાથે છેડો ફાડીને તેઓ એનસીપીમાં જોડાયા હતા.
પિતરાઈ બહેનનાં વાગ્બાણનો જવાબ આપતાં ધનંજય મુંડેએ કહ્યું હતું કે ‘તાઈ (બહેન), કેટલીક વખત વ્યક્તિએ દૃષ્ટિ કેળવવી પડે છે. થોડી વાર પહેલાં હું આદિત્ય ઠાકરે સાથે વાત કરી રહ્યો હતો અને તેમણે કહ્યું હતું કે તાઈ દૃષ્ટિ બદલીને મહાવિકાસ આઘાડીની દૃષ્ટિ અપનાવે તો સારું. આ તેમણે કહ્યું હતું, મેં નહીં.’

mumbai news sharad pawar nationalist congress party