હવે આ ક્ષેત્રમાં ફરી પાછા પગ મૂકવા તૈયાર નથી ભારતના યુવાન નાવિકો

23 March, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓમાનમાં ઑઇલ-ટૅન્કર પર તહેનાત ભારતીય નાગરિકો જીવ બચાવીને પાછા ફર્યા, પણ...

ઑઇલ-ટૅન્કર સ્કાય લાઇટ

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઓમાનના ખસાબ પોર્ટ નજીક ઑઇલ-ટૅન્કર સ્કાય લાઇટ પર પહેલી માર્ચે મિસાઇલ-હુમલો થયો હતો. આ હુમલામાં બચી ગયેલા ૮ ભારતીય નાવિકો ૧૮ માર્ચે મુંબઈ પાછા ફર્યા છે. આ નાવિકોનો જીવ તો બચ્યો છે પણ પહેરેલા કપડે તેમણે પાછા આવવું પડ્યું હોવાથી તેમના દસ્તાવેજ, વળતર અને નોકરી વિશે અનિશ્ચિતતા હોવાથી તેમની મુશ્કેલી વધી છે.

પશ્ચિમ બંગાળ, હરિયાણા, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશના ક્રૂ-મેમ્બર્સે પોતાની વ્યથા જણાવતાં કહ્યું હતું કે ‘હુમલા પછી જહાજમાં લાગેલી આગમાં પાસપોર્ટ, ID કાર્ડ, ફોન, સોનાના દાગીના અને રોકડ સહિતનો તમામ સામાન અમે ગુમાવ્યો છે જેને લીધે અમારે આટલો વખત ઓમાનમાં જ ફસાઈ રહેવું પડ્યું હતું. ઇમર્જન્સી આઉટ પાસની વ્યવસ્થા થયા બાદ અમે પાછા ભારત આવી શક્યા હતા.’

એક ક્રૂ-સભ્યએ જણાવ્યું હતું કે ‘અમે ૧૭ માર્ચે ઓમાનથી નીકળ્યા હતા. મસ્કત થઈને અમે મુંબઈ પહોંચ્યા હતા. અમારો કંપની સાથેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થયો નથી એટલે વિવિધ ઔપચારિકતા માટે અમારે નવી મુંબઈમાં રહેવું પડ્યું હતું. રોકડ ન હોવાથી રહેવાની જગ્યા શોધવામાં પણ અમને મુશ્કેલી પડી હતી.’

શિપિંગ ડિરેક્ટરેટ જનરલના અધિકારીઓએ વળતરની ખાતરી આપી છે, પણ ૨૦ વર્ષની ઉંમરના આ નાવિકો હવે ફરી આ ક્ષેત્રમાં નોકરી કરવા માગતા નથી. તેમણે જણાવ્યું હતું કે ‘અમારામાંથી મોટા ભાગના લોકોની આ પહેલી નોકરી હતી. અમે ગામડા અને પરિવારને છોડીને સારા જીવન માટે કામ કરવાનું શરૂ કર્યું હતું, પણ આ આઘાતજનક અનુભવને કારણે હવે અમે અમારા ગામ પાછા ફરીને ત્યાં જ રહેવા માગીએ છીએ.’

oman middle east crisis iran israel united states of america mumbai news