27 March, 2026 10:02 AM IST | Iran | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા બહુ જલદીથી ઈરાનની જમીન હસ્તગત કરવાના છૂપા પ્લાનમાં છે અને અમેરિકાના સૈનિકોને દરિયાઈ માર્ગે ઈરાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ પ્લાનનો ઈરાન જડબાતોડ જવાબ આપી રહ્યું છે. બુધવારે ઈરાને અમેરિકાના સ્ટ્રૅટેજિક વૉરશિપ USS અબ્રાહમ લિન્કનને ઈરાનના દરિયાથી દૂર જ રહેવાની ચેતવણી આપી હતી, પરંતુ એ વૉરશિપ નજીક આવી રહી હોવાથી ઈરાને અબ્રાહમ લિન્કન પર મિસાઇલોનો વરસાદ કર્યો હોવાનો દાવો કર્યો હતો. બુધવારે તો અમેરિકા તરફથી કોઈ પ્રત્યુત્તર નહોતો, પરંતુ ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે ઈરાને અમેરિકાના ખૂબ જ મહત્ત્વના સ્ટ્રૅટેજિક ટાર્ગેટ પર ૧૦૦ મિસાઇલો છોડી હતી, પરંતુ પૅટ્રિયટ ડિફેન્સ સિસ્ટમે એ તમામ મિસાઇલોને આંતરી લીધી હતી. મિસાઇલો ખૂબ ઝડપી ગતિએ ચાલી રહી હતી અને એમનું નિશાન એક એવી ચીજ હતું જે અમેરિકા માટે ખૂબ જ મહત્ત્વની અને પાવરફુલ ઍસેટ છે.
જોકે ટ્રમ્પે ટાર્ગેટની જગ્યા વિશે કોઈ ફોડ પાડ્યો નહોતો. ટ્રમ્પે કહ્યું હતું કે ‘ઈરાને અમારી પાસેની ખૂબ જરૂરી ચીજ પર ૧૦૦ મિસાઇલો ફેંકી હતી. ૨૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ચાલતી આ મિસાઇલો બહુ જ મહત્ત્વની ચીજ તરફ આવી રહી હતી. જોકે અમારા પર આવી રહેલી ૧૦૦ મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવતાં એ સમુદ્રમાં પડી હતી. એક પણ મિસાઇલ નિશાના પર લાગી નહીં, કેમ કે પૅટ્રિયટ સિસ્ટમ હતી. અમારી પાસે દુનિયાનાં સૌથી સારાં હથિયારો છે. સૌથી સારી, સૌથી પાવરફુલ અને સૌથી જીવલેણ મિલિટરી છે.’