તમારા દુકાનદારનું વજન માપવાનું મશીન યોગ્ય છે?

19 May, 2022 08:20 AM IST  |  Mumbai | Sameer Surve

ગ્રાહકો આવાં મશીનો બરાબર છે કે નહીં એ ચેક કરી શકે એ માટે પરંપરાગત ત્રાજવા પર વપરાતાં કેટલાંક પ્રમાણિત સ્ટાન્ડર્ડ કાટલાં રાખવાનું દુકાનો માટે ફરજિયાત કરવામાં આવ્યું

ગોરેગામ-ઈસ્ટમાં વજન માપવાના ઇલેક્ટ્રૉનિક મશીનનો ઉપયોગ કરી રહેલો દુકાનદાર. અનુરાગ આહિરે


મુંબઈ : દુકાનદારોમાં વજન માપવા માટેના ઇલેક્ટ્રૉનિક મશીનનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે ગ્રાહકો મશીનોની ચોકસાઈ તપાસી શકે એ માટે લીગલ મેટ્રોલૉજી વિભાગે પરંપરાગત ત્રાજવા પર વપરાતાં કેટલાંક પ્રમાણિત સ્ટાન્ડર્ડ કાટલાં રાખવાનું દુકાનો માટે ફરજિયાત કર્યું છે. ગ્રાહક હવે ઇલેક્ટ્રૉનિક મશીન પર પ્રમાણિત કાટલું મૂકીને મશીનની ખરાઈ કરી શકે છે.
મેટ્રોલૉજી વિભાગમાં વજન માપવાનાં ૬૦,૦૦૦ કરતાં વધુ ઇલેક્ટ્રૉનિક મશીન નોંધાયેલાં છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ મશીન વપરાશમાં વધુ સુગમ અને ચોકસાઈપૂર્ણ હોવાને કારણે એનો વપરાશ વધી રહ્યો છે, પણ મશીનમાં ચેડાં થવાની પણ સંભાવના રહેલી છે.
ગ્રાહકો પાસે મશીનની સ્ક્રીન પર દેખાતું વજન જોઈને ચુકવણી કરવા સિવાય મશીનની ચોકસાઈ તપાસવાનો કોઈ વિકલ્પ બચતો નથી એટલે તેના મનમાં હંમેશાં આશંકા રહે છે એમ લીગલ મેટ્રોલૉજી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા નાણાકીય વર્ષમાં વિભાગે ખામીયુક્ત મશીનોના ૫૪૦ કેસ નોંધ્યા હતા. દોષીઓને ૫૦૦થી ૨૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
લીગલ મેટ્રોલૉજીના મુંબઈ ડિવિઝનના ડેપ્યુટી કન્ટ્રોલર શિવાજી કાકડેએ જણાવ્યું હતું કે ‘વજન માપવા માટે ઇલેક્ટ્રૉનિક મશીનનો ઉપયોગ કરી રહેલા દુકાનદારો અને જથ્થાબંધ વેપારીઓ માટે ઇલેક્ટ્રૉનિક મશીનની દસ ટકા ક્ષમતા જેટલાં પરંપરાગત કાટલાં રાખવાનું ફરજિયાત કરવાનું અમે નક્કી કર્યું છે. જો કોઈ ગ્રાહકને શંકા જન્મે તો તે દુકાનદારને મશીન પર પરંપરાગત વજનિયું મૂકવા માટે જણાવી શકે છે. આ રીતે મશીન સાચું છે કે ખોટું એ ગ્રાહક સહેલાઈથી જાણી શકશે. અમે થોડા દિવસ પહેલાં આ નિર્ણય લીધો હતો. અમારા અધિકારીઓ ટૂંક સમયમાં જ દુકાનદારોને આ વિશે જાણ કરશે.’ 
ફ્યુઅલ પમ્પ્સ માટે પાંચ લિટરનું માપન કરતું કેન રાખવું ફરજિયાત છે. મશીનમાંથી અપાતા ફ્યુઅલના જથ્થા બાબતે આશંકા ધરાવનાર ગ્રાહક શંકા દૂર કરવા કેનનો ઉપયોગ કરી શકે છે.

mumbai news