રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં યોજાયો ભવ્ય મહાતપોત્સવ દીક્ષામહોત્સવનો મંગલ પ્રારંભ

25 April, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નૉન-સ્ટૉપ સાંજી સ્તવના સાથે મહાતપસ્વીની અનુમોદના અને સ્વસ્તિકવિધિ સાથે દીક્ષાર્થીના મહોત્સવના પ્રારંભે જોડાયાં ૫૦થી વધુ મહિલા મંડળ અને હજારો ભાવિકો

શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

શ્રી વિલે પાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે કરવામાં આવેલા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવના પાંચ દિવસીય આયોજનનો મંગલમય પ્રારંભ ગઈ કાલે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં વિલે પાર્લે સ્થિત ઋતંભરા વિશ્વ વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે હજારો ભાવિકોના હૃદયના ઊછળતા ભાવ, અહોભાવ અને ભક્તિભાવ સાથે કરવામાં આવ્યો હતો.
પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રના ગુંજારવ સાથે આ મહોત્સવનો શંખનાદ કરવામાં આવ્યો હતો. કોઈના કહેવા માત્રથી નહીં પણ હૈયાના, અંતરના અવાજ સાથે થતી હોય છે તપશ્ચર્યા અને લેવાતી હોય છે દીક્ષા, દીક્ષા એ માત્ર વસ્તુઓનો ત્યાગ નથી પણ મોહ, લાગણી કે સંવેદનાનો પરિત્યાગ એ દીક્ષાનું જીવન હોય છે, જે દિવસે દિલમાં લાગણીઓ પર વિજય પમાય છે એ દિવસે ભાલ પર સંયમનો વિજયતિલક લાગતો હોય છે, જે મોહ છોડી શકે તે પ્રભુના માર્ગ પર આવી શકે છે... પરમ ગુરુદેવના આવાં વચનોએ સૌને અહોભાવિત કર્યા હતા.

આ અવસરે પિંજરના અદ્ભુત પ્રયોગ દ્વારા ઉપસ્થિત ભાવિકોને સંસારની વાસ્તવિકતાની અનુભૂતિ કરાવવામાં આવી હતી તેમ જ મુંબઈભરનાં ૫૦થી વધુ મહિલા મંડળની બહેનો દ્વારા ગીતોની સાંજી સ્તવના એવમ્ લીલા વસ્ત્ર પર સ્વસ્તિકવિધિનું માંગલ્ય કરીને દીક્ષા મહોત્સવનાં શુકનવંતાં વધામણાં કરવામાં આવતાં હર્ષ છવાઈ ગયો હતો. તપધર્મ અને સંયમધર્મની અનુમોદના સ્વરૂપ આ મહોત્સવના આજે ૨૫ એપ્રિલે દ્વિતીય દિવસે મહાતપસ્વીને ગુરુ ભગવંતના શ્રીમુખેથી ૧૦૦૮મા આયંબિલ તપના પ્રત્યાખ્યાનની ક્ષણોના સાક્ષીદાર બનવા આ અવસરે પધારી ધન્ય બનવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને શ્રી સંઘ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

mumbai news jain community vile parle