હજારો ભાવિકોએ લીધી રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા

26 April, 2024 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીએ ગ્રહણ કર્યાં ૧૦૦૮ આયંબિલનાં પ્રત્યાખ્યાન અને...

મહાતપોત્સવ-દીક્ષા મહોત્સવ

જગતના કરોડો મનુષ્યના ૧૦૦૮ દિવસો જ્યારે આહાર, ભોજન અને સ્વાદની આસક્તિમાં નિરર્થક વીતી ગયા છે ત્યારે પોતાના સ્વાદ પર વિજય પામીને અખંડ ૧૦૦૮ દિવસના આયંબિલ તપની આરાધના કરીને ૧૦૦૮ દિવસની ક્ષણ-ક્ષણને સાર્થક કરી લેનારાં મહાતપસ્વી સાધ્વીરત્નાની થાય એટલી અનુમોદના કરી લેવાની પ્રેરણા પ્રસારિત કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે મહાતપોત્સવ-દીક્ષા મહોત્સવનો દ્વિતીય દિવસ જન-જનને તપ, ધર્મ પ્રત્યે વંદિત કરી ગયો હતો. 

શ્રી વિલે પાર્લે વર્ધમાન સ્થાનકવાસી પાસે જૈન સંઘના ઉપક્રમે શ્રી માલિનીબેન કિશોરભાઈ સંઘવી, ઋતંભરા કૉલેજ કૅમ્પસ ખાતે ઊજવાઈ રહેલા મહાતપોત્સવ-દીક્ષા મહોત્સવના અવસરે તેરાપંથ સંપ્રદાયના પૂજ્ય શ્રી કમલમુનિ મહારાજસાહેબ આદિ સંતો, ડૉ. પૂજ્ય શ્રી જસુબાઈ મહાસતીજી આદિ, વિરલપ્રજ્ઞા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી ઊર્મિ-ઊર્મિલાબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી કિરણબાઈ મહાસતીજી આદિ, ડૉ. પૂજ્ય શ્રી ડોલરબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી પુનિતાબાઈ મહાસતીજી આદિ, પૂજ્ય શ્રી પૂર્વીબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ સાથે ભારતનાં અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમ જ દેશ-વિદેશના મળીને લાખો ભાવિકો લાઇવના માધ્યમે મહાતપસ્વી આત્મા તેમ જ દીક્ષાર્થી આત્માની અનુમોદના કરવા અહોભાવથી જોડાઈ ગયા હતા.

ઉપસ્થિત જનસમુદાયને બોધવચન ફરમાવતાં આ અવસરે પરમ ગુરુદેવે કહ્યું હતું કે ‘તપશ્ચર્યાના ભાવ, ધર્મ સાધનાના ભાવ તો અનેક આત્મા કરી લેતા હોય; પરંતુ એ ભાવોની, તપશ્ચર્યાના સંકલ્પની પરિપૂર્ણતા એવા જ આત્મા કરી શકતા હોય છે જેમણે તપસ્વીની ખૂબ અહોભાવથી અનુમોદના કરી હોય, એવા જ આત્માને તપશ્ચર્યાની અનુકૂળતા મળતી હોય છે. તપસ્વી એ હોય જેને કદી તપશ્ચર્યાનો ભાર ન હોય, પરંતુ સદાને માટે તપસ્વીના મુખ પર તપશ્ચર્યાનો પ્રભાવ હોય. તપસ્વીને તપશ્ચર્યા હંમેશાં પોતાના કર્મ રોગને ક્ષય કરવાની ઔષધ લાગતી હોય માટે જ દરેક સાધના પછી વન-સ્ટેપ અપ થાય તે સાધક હોય. અનંતકાળથી આપણી સાથે ભોજન અને સ્વાદની વૃ‌િત્ત જોડાયેલી છે ત્યારે ૧૦૦૮ દિવસ સુધી સ્વાદ પર વિજય પામી લેનારા મહાતપસ્વી આત્માનાં થાય એટલાં ગુણગાન કરી લઈએ, તેમની અનુમોદના કરી લઈએ.’ 

પ્રત્યક્ષ ઉપસ્થિત તેમ જ લાઇવના માધ્યમે આ અવસરમાં જોડાયેલા દેશ-વિદેશના લાખો ભાવિકો અંજલિબદ્ધ, નતમસ્તક, વંદિત અને અભિવંદિત થઈ ગયા હતા, જ્યારે પરમ ગુરુદેવના બ્રહ્મસ્વરે મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને ૧૦૦૮મા આયંબિલનાં કલ્યાણકારી પ્રત્યાખ્યાન અર્પણ કર્યાં હતાં. તપના પ્રભાવે આશાતા ખપે, તપના પ્રભાવે વિઘ્નો ખપે એવી પ્રેરણા આપીને પરમ ગુરુદેવે પૂજ્ય મહાતપસ્વીના ૧૦૦૮ આયંબિલ તપની અનુમોદનાએ રાત્રિભોજન ત્યાગની પ્રેરણા કરતાં હજારો ભાવિકો પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. 
પૂજ્ય મહાતપસ્વી મહાસતીજી અને દીક્ષાર્થી આત્મા પ્રત્યે અહોભાવભીની અનુમોદના અર્પણ કરવા યોજાયેલી કિડ્સ સાંજી અંતર્ગત નાનાં-નાનાં બાળકોએ અત્યંત ભક્તિભાવથી ગીતસંગીતના સૂરો સાથે સાંજી સ્તવના કરીને અહોભાવ પ્રદર્શિત કરતાં સર્વત્ર હર્ષ છવાયો હતો. મુલુંડ લુક ઍન્ડ લર્નનાં બાળકોની સુંદર નૃત્ય પ્રસ્તુતિ અને દીદીઓ દ્વારા કરવામાં આવેલા મહાતપસ્વી અને દીક્ષાર્થીનાં વધામણાં સાથે આ અવસર અવિસ્મરણીય બન્યો હતો. 

મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવમાં આજે ૨૬ એપ્રિલના ત્રીજા દિવસે ‘હે શ્રમણી, વંદન તને હજાર’ના અદ્ભુત કાર્યક્રમ સાથે ઉત્તમ છેડાની અનોખી ભાવયાત્રાની પ્રસ્તુતિ ‘સંવેદના પ્રભુ મિલનની’ની રજૂ થશે.

mumbai news jain community