13 December, 2024 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મલાડ-વેસ્ટમાં માર્વે રોડ પર આવેલી મણિરત્ન જ્વેલર્સમાં સેલ્સમૅન તરીકે કામ કરતા ૩૪ વર્ષના શ્રવણ રાજપૂતની મલાડ પોલીસે આશરે આઠ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવા બદલ ગઈ કાલે ધરપકડ કરી હતી. જ્વેલરી શૉપના માલિક મહેન્દ્ર જૈન દુકાનમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા હતા ત્યારે શ્રવણનું કામ ઝાડુ મારવાનું ન હોવા છતાં તે ઝાડુ મારતો દેખાયો હતો એટલે તેના પર શંકા આવતાં બારીકાઈથી ફુટેજ તપાસતાં દુકાનમાં જે જગ્યાએ ચાંદીના સિક્કા રાખવામાં આવ્યા હતા એની બાજુમાં ઝાડુ મારવાના બહાને ઊભા રહીને એક પછી એક ચાંદીના સિક્કા પૅન્ટના ખિસામાં નાખતો દેખાયો હતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
આરોપીની અમે ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર દીપક રાયવાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ ડિસેમ્બરે દુકાનના માલિક દુકાનમાં લગાવેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા હતા ત્યારે છેલ્લા એક વર્ષથી સેલ્સમૅન તરીકે કામ કરતો શ્રવણ ઝાડુ મારતો દેખાયો હતો. તે જે રીતે ઝાડુ મારી રહ્યો હતો એના પરથી માલિકને તેના પર શંકા ગઈ હતી. ત્યાર બાદ માલિકે બારીકાઈથી તમામ ફુટેજનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે શ્રવણ ચાંદીના દાગીના હાથચાલાકી કરીને પોતાના ખિસ્સામાં નાખતો દેખાયો હતો. એટલે માલિકે અગાઉના દિવસોનું પણ ફુટેજ તપાસ્યું ત્યારે રોજ ઝાડુ મારવાના બહાને તે આવી રીતે ચોરીને અંજામ આપતો હોવાનું જાણવા મળ્યું હતું એટલે માલિકે આ ઘટનાની જાણ અમને કરી હતી. શ્રવણે આશરે આઠ લાખ રૂપિયાના દાગીના ચોર્યા હોવાની ફરિયાદ બુધવારે નોંધીને ગઈ કાલે અમે તેની ધરપકડ કરી હતી. હાલમાં અમને શ્રવણ પાસેથી કોઈ રિકવરી મળી નથી. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
કુર્લામાં યુવતીએ અઢી તોલાની ચેઇન ચોરી
કુર્લાના ફીનિકસ મૉલમાં આવેલી વામન હરિ પેઠે જ્વેલર્સમાં સેલ્સમૅન તરીકે કામ કરતી યુવતીએ હાથચાલાકી કરીને આશરે અઢી તોલાની ચેઇન ચોરી હોવાની ફરિયાદ બુધવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. ૧૦ ડિસેમ્બરે દુકાનમાં બતાવવા માટે રાખેલા દાગીનાની તપાસ કરતાં એક ચેઇન ઓછી મળી આવી હતી એટલે દુકાનમાં લગાવેલા CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવામાં આવ્યાં હતાં. એમાં ૨૬ નવેમ્બરે હાથચાલાકી કરીને યુવતીએ ચેઇન ચોરી હોવાનું દેખાઈ આવ્યું હતું. શૉપના મૅનેજરે અમારી પાસે ફરિયાદ નોંધાવી છે એમ ઘાટકોપર પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.