કાંદિવલી પોલીસે સાંઈ સતગુરુ સોસાયટીના રહેવાસીઓનાં સ્ટેટમેન્ટ્સ નોંધવાનું શરૂ કર્યું

19 May, 2022 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિલ્ડર જયેશ તન્નાએ કહ્યું કે હું જે લોકોનું ભાડું બાકી છે તેમને એ આપવા તૈયાર છું

ગઈ કાલે કાંદિવલી પો​લીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ્સ નોંધાવવા આવેલા સાંઈ સતગુરુ સોસાયટીના રહેવાસીઓ.


મુંબઈ : કાંદિવલી-વેસ્ટની સાંઈ સતગુરુ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસીઓએ બિલ્ડર જયેશ તન્ના અને અન્ય સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગઈ કાલે તેમને સ્ટેટમેન્ટ્સ નોંધવા બોલાવ્યા હતા. સામે પક્ષે જયેશ તન્નાએ ગઈ કાલે દિંડોશી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. 
આ વિશે માહિતી આપતાં સોસાયટીના સભ્યએ કહ્યું હતું કે ‘કુલ ૨૭ સભ્યોમાંથી ગઈ કાલે ૨૦ સભ્યોનાં સ્ટેટમેન્ટ કાંદિવલી પોલીસે નોંધ્યાં હતાં અને જ્યારે બે સભ્યોનાં સ્ટેટમેન્ટ આજે નોંધાશે.’  
આ કેસના સંદર્ભમાં ગઈ કાલે જયેશ તન્નાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું જે લોકોનાં ભાડાં બાકી છે તેમને એ આપવા તૈયાર છું, પણ આ રીતે બંદૂક બતાવી હોવાનું કહીને તેમણે ખોટો કેસ ન કરવો જોઈએ. મારી પાસે વીસ વર્ષથી લાઇસન્સ રિવૉલ્વર છે. જો હું આવું કરતો હોત તો અત્યાર સુધીમાં મારી સામે ઘણા કેસ થઈ જવા જોઈતા હતા.’

mumbai news kandivli