આ ર​વિવારે યોજાશે અનોખો અયોધ્યાત્સવ

25 April, 2024 09:05 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

શ્રી લુહાર સુતાર જ્ઞાતિએ ‘રામાયણ અને અયોધ્યા’ની થીમ પર રાખી છે ક્રિકેટ ટુર્નામેન્ટ; એમાં ટીમોનાં નામ શ્રી રામ, ભરત, લક્ષ્મણ રાખવામાં આવ્યાં છે અને ટી-શર્ટ પર પણ એ જ નામ જોવા મળશે

અયોધ્યાત્સવની થીમ વાડી ક્રિકેટ ટુર્નામેન્ટનું પોસ્ટર

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ બાદ નાના-મોટા બધા લોકોના મનમાં રામનામ વસી ગયું છે. એની ઝલક મુંબઈમાં શ્રી લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા રવિવારે ૨૮ એપ્રિલે યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટની થીમ પરથી જોવા મળશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટની થીમ ‘રામાયણ અને અયોધ્યા’ પર છે. આ અનોખા અયોધ્યાત્સવની ટીમોનાં નામ પણ ફૅન્સી નહીં પણ હનુમાન, બાલી, અગસ્ત્ય, નીલ, શ્રી રામ, લક્ષ્મણ, ભરત વગેરે રાખવામાં આ‍વ્યાં છે અને બધી ટીમોના પ્લેયરો આ ફોટો ધરાવતું ટી-શર્ટ પહેરશે. ફક્ત નામો જ નહીં, આજની પેઢીને તેઓ કોણ હતા એ સમજાય એટલા માટે દરેક ટીમ વિશે માહિતી આપવામાં આવશે. 

મીરા રોડમાં આવેલા સૃષ્ટિ વિસ્તારમાં ભક્તિવેદાંત હૉસ્પિટલની સામે લશ ટર્ફ ગ્રાઉન્ડમાં રવિવારે લુહાર સુતાર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં શ્રી રામના નારા સાથે ભગવા રંગના શ્રી રામના ઝંડા પણ ગ્રાઉન્ડ પર લગાવવામાં આવશે. આ એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત હનુમાન ચાલીસા અને આરતી સાથે કરવામાં આવશે એમ જણાવીને લુહાર સુતાર પ્રીમિયર લીગના સ્થાપક જતીન ડોડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરવા અને આજની પેઢીમાં ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવા માટે ક્રિકેટ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. એથી ટુર્નામેન્ટને સંપૂર્ણ આધ્યાત્મિક રૂપ આપીને રામાયણ અને અયોધ્યા સાથે જોડવામાં આવશે. ટુર્નામેન્ટ સવારે આઠ વાગ્યે શરૂ થશે અને એની શરૂઆત હનુમાન ચાલીસા તથા આરતી થશે. ગ્રાઉન્ડ પર શ્રી રામના નામના ઝંડા લહેરાશે એટલું જ નહીં, દરેક ટીમના ટી-શર્ટ પર ભગવાનના નામની ટીમ પ્રિન્ટ થશે. મૅચની ટીમોને અમે સેનાનું નામ આપ્યું છે તેમ જ અયોધ્યામય વાતાવરણ માટે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજીના ફોટોનાં બૅનર્સ લગાવવામાં આવશે.’

શરૂઆતમાં ટીમના પ્લેયરો સહિત આવનારા લોકોનું ​​તિલક સાથે સ્વાગત કરવામાં આવશે એમ જણાવીને લીગના અન્ય સ્થાપક હેમાંશુ રાઠોડ અને મયૂર દાવડાએ કહ્યું હતું કે ‘ટુર્નામેન્ટની વચ્ચે બ્રેકમાં રામ અને હનુમાનનાં ગીતો વગાડવામાં આવશે. ફોર અને સિક્સમાં પણ ભગવાનનાં ગીતો હશે. આખી થીમ પર એક વિડિયો પણ બનાવ્યો છે. ટુર્નામેન્ટમાં ૨૦ ટીમ છે જેમાંથી ચાર મહિલાઓની ટીમ હશે. ૬-૬ ઓવરની આ ટુર્નામેન્ટમાં આખા મુંબઈ અને ગુજરાત, પુણે, બૅન્ગલોરથી પણ પ્લેયરો આવશે. મહેમાનોને મેમેન્ટોમાં અયોધ્યાના રામમંદિરની પ્રતિકૃતિ આપવામાં આવશે. રામનામ પરની આ ટુર્નામેન્ટ માટે સમિ​તિના સભ્યોએ દિવસ-રાત એક કરીને આ થીમ તૈયાર કરી છે.’

mumbai news ayodhya ram mandir ramayan