24 November, 2024 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ચીફ મિનિસ્ટરના નિવાસસ્થાન વર્ષા પર પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ચર્ચા કરતા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે.
રાજ્યમાં મહાયુતિને અકલ્પનીય જીત મળ્યા બાદ હવે બધાને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે રાજ્યના નવા મુખ્ય પ્રધાન કોણ હશે?
અત્યારે તો આ બાબતે કોઈ ફોડ પાડીને બોલી નથી રહ્યું, પણ જે રીતનો વિજય ભારતીય જનતા પાર્ટી (BJP)ને મળ્યો છે એ જોતાં નરેન્દ્ર મોદીની પાર્ટીમાંથી જ કોઈ મુખ્ય પ્રધાન બને એવી શક્યતાઓ વધારે છે અને એમાં પણ આ પદ માટે હકદાર બીજું કોઈ નહીં પણ દેવેન્દ્ર ફડણવીસ હોવાનું બધાનું માનવું છે. એનું કારણ એ છે કે તેમની લીડરશિપ હેઠળ આ ચૂંટણી લડવામાં આવી હતી. BJPના નેતા પ્રવીણ દરેકરે તો જાહેરમાં કહી દીધું હતું કે દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય પ્રધાન બનવા જોઈએ.
બીજી બાજુ, એકનાથ શિંદેની શિવસેના તરફથી પણ આ પદ માટે દાવો કરવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે મુખ્યમંત્રી લાડલી બહિણ યોજના એકનાથ શિંદેની દેન છે અને એને લીધે જ આ પરિણામ આવ્યું છે. શિવસેનાના નેતાઓ એવો દાવો પણ કરી રહ્યા છે કે તમામ સર્વેમાં રાજ્યના લોકપ્રિય નેતા તરીકે પહેલા નંબર પર એકનાથ શિંદે હોવાથી તેમને જ રાજ્યની ધુરા સંભાળવા આપવી જોઈએ.
આ બધા વચ્ચે એકનાથ શિંદેએ આ મુદ્દા પર કહ્યું હતું કે ‘જે રીતે અમે ત્રણેય એકસાથે ચૂંટણી લડ્યા હતા એ જ રીતે ત્રણેય પાર્ટીના નેતાઓ સાથે બેસીને મુખ્ય પ્રધાનપદનો નિર્ણય લઈશું.’
જ્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનને લઈને અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. પહેલા દિવસથી નક્કી હતું કે ચૂંટણી પૂરી થયા બાદ ત્રણેય પાર્ટીના નેતાઓ સાથે બેસીને નિર્ણય લેશે. જે બધાને માન્ય હશે. એમાં કોઈ વાદવિવાદ નથી થવાના.’
જોકે BJPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સંસદસભ્ય વિનય સહસ્રબુદ્ધેએ કહ્યું હતું કે ‘પરિણામ જોતાં તો એવું જ લાગે છે કે અમારી પાર્ટીના જ મુખ્ય પ્રધાન બનવા જોઈએ, પણ તે કોણ હશે એ કહેવું મુશ્કેલ છે, કારણ કે આપણી સામે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢનાં ઉદાહરણ છે જ્યાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.’
આમ તો અજિત પવારે રાજ્યના મુખ્ય પ્રધાન બનવા માટે અનેક વખત પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે, પણ ગઈ કાલે તેમની પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હોવા છતાં મુખ્ય પ્રધાનપદને લઈને તેઓ કંઈ બોલ્યા નહોતા.
દેવેન્દ્ર ફડણવીસનાં મમ્મીએ કહ્યું... મારો પુત્ર જ મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનશે
મહારાષ્ટ્રમાં BJPને બમ્પર વિજય મળ્યા બાદ હવે નક્કી છે કે આગામી સરકાર BJPની આગેવાનીમાં જ બનશે. દેવેન્દ્ર ફડણવીસનાં મમ્મી સરિતા ફડણવીસે ગઈ કાલે વિજયનો આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ એક બહુ મોટો દિવસ છે. મારો પુત્ર એક બહુ મોટો નેતા બની ગયો છે. તે ૨૪ કલાક, રાત-દિવસ ખૂબ મહેનત કરતો હતો. કોઈ શંકા નથી કે તે જ મુખ્ય પ્રધાન બનશે. લાડલી બહેનોના પણ તેને આશીર્વાદ મળ્યા છે.’