સતત બીજેપીવિરોધી લડાઈ લડવા માટે તમારે મેદાનમાં ઊતરવું પડશે

02 December, 2021 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવું થાય તો બીજેપીને હરાવવી જરાય મુશ્કેલ નથી, નહીં તો તે તમને બહાર કાઢી મૂકશે એમ કહીને પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મુંબઈમાં બીજેપીવિરોધી ગઠબંધનના આપ્યા સંકેત

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં મમતા બૅનરજી અને શરદ પવારે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી. ​(તસવીર : બિપિન કોકાટે)

ત્રણ દિવસની મુંબઈની મુલાકાતે આવેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉન્ગ્રેસનાં સ્થાપક મમતા બૅનરજીએ ગઈ કાલે એનસીપીના ચીફ શરદ પવારની મુલાકાત કરવાની સાથે વાય બી. ચવાણ સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે બીજેપીને દેશમાં પરાજિત કરવી હોય તો પ્રાદેશિક પક્ષોએ એકસાથે આવવું પડશે. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જો બધા પ્રાદેશિક રાજકીય પક્ષો એકસાથે આવશે તો રાષ્ટ્રીય સ્તરે બીજેપીને આસાનીથી પરાજિત કરી શકાશે.
દક્ષિણ મુંબઈમાં આવેલા વાય બી. ચવાણ સેન્ટરમાં આયોજિત કાર્યક્રમમાં બીજેપીવિરોધી રાષ્ટ્રીય ગઠબંધન કરવાના સંકેત મમતા બૅનરજીએ આપ્યા હતા. આ સમયે સ્વરા ભાસ્કર, શત્રુઘ્ન સિંહા, મહેશ ભટ્ટ, મુકુલ રોહતગી, મેઘા પાટકર, રિચા ચડ્ડા, તુષાર ગાંધી, વિદ્યા ચવાણ વગેરે હાજર રહ્યા હતા. મમતા બૅનરજીએ આ સમયે બીજેપીને કેવી હરાવી શકાય છે એની સાથે બીજેપીવિરોધી ગઠબંધન કરવાના સંકેત પણ આપ્યા હતા.
મમતા બૅનરજીએ કહ્યું હતું કે 
‘તમારે મેદાનમાં ઊતરીને સતત બીજેપીવિરોધી લડાઈ લડવી પડશે. નહીં તો તે તમને બહાર કાઢી મૂકશે. પશ્ચિમ બંગાળમાં બધું ઠીક ચાલી રહ્યું હોવા 
છતાં મારે બહાર નીકળવું પડ્યું છે. મારી જેમ બધા પ્રાદેશિક પક્ષો પોતાના રાજ્યની બહાર નીકળશે તો રાજકારણમાં સ્પર્ધા થશે.’
મમતા બૅનરજી ગઈ કાલે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના સર્વેસર્વા શરદ પવારને પણ મળ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચે વિરોધ પક્ષને એક સાથે લાવીને બીજેપી સામે મોરચો બનાવવા બાબતે ચર્ચા થઈ હતી. જોકે, ઉલ્લેખનીય વાત એ હતી કે આ સમયે એનસીપીના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યાં હતાં.
રાષ્ટ્રીય ગઠબંધનની તૈયારી
મમતા બૅનરજી આગામી થોડા દિવસોમાં રાજસ્થાન જવાના છે. ગોવા, મેઘાલય, ત્રિપુરા અને આસામ વગેરે રાજ્યોમાં ચૂંટણી લડવાની જાહેરાત તેમણે પહેલેથી કરી છે. આથી રાષ્ટ્રીય સ્તરે તૃણમૂલ કૉન્ગ્રેસને લઈ જવા માટેના તેમના પ્રયાસ ચાલું હોવાનું જણાઈ આવે છે. ઉપરાંત ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોને એકત્રિત કરીને મોટું આહ્વાન ઊભું કરવા માટે તેમણે પશ્ચિમ બંગાળની બહાર નીકળીને રાજ્યોની મુલાકાત શરૂ કરી છે. 
રાહુલ ગાંધી પર હુમલો
મમતા બૅનરજી કૉન્ગ્રેસને અવગણીને વિરોધ પક્ષોનું ગઠબંધન કરવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ વિશે પત્રકારોએ પૂછતાં મમતા બૅનરજીએ કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘જો તમે અડધાથી વધુ સમય વિદેશમાં રહેશે તો રાજકારણ કેવી રીતે કરશો? કૉન્ગ્રેસ દેશનો સૌથી જૂનો પક્ષ હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષથી એ સતત નબળો પડી રહ્યો છે. વિધાનસભા કે લોકસભા બંને ચૂંટણીઓમાં દેશભરમાં કૉન્ગ્રેસ પક્ષ સતત પરાજિત થઈ રહ્યો છે. એ સિવાય છેલ્લાં કેટલાંક વર્ષથી કૉન્ગ્રેસ અધ્યક્ષના પદ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. નક્કર નેતૃત્વના અભાવે બીજેપીને રોકનારો મજબૂત વિરોધ પક્ષ દેખાતો નથી.’ આ મુદ્દે મમતા બૅનરજીએ નામ લીધા વિના કૉન્ગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યાં હતા.

રાજ્યના ઉદ્યોગો પશ્ચિમ બંગાળમાં ડાઇવર્ટ કરી રહી છે શિવસેના : બીજેપી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મંગળવારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેની મુલાકાત લેવા બાબતે બીજેપીના વિધાનસભ્ય આશિષ શેલારે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ફાઇવસ્ટાર હોટેલમાં થયેલી મુલાકાત બદલ સરકારે કોઈ અધિકૃત માહિતી શૅર નથી કરી. આથી શંકા ઊભી થાય છે કે ૨૦૦૮માં નૅનો પ્રોજેક્ટનો વિરોધ કરનારાં મમતા બૅનરજીને શિવસેના રાજ્યના ઉદ્યોગો પશ્ચિમ બંગાળમાં ડાઇવર્ટ કરવામાં મદદ કરી રહી છે. જો આ શંકા સાચી હોય તો શિવસેના દેશના જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ રતન તાતાનું અપમાન નથી કરી રહી?’

mumbai news sharad pawar mamata banerjee