02 September, 2025 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનોજ જરાંગે પાટીલ (તસવીર: પીટીઆઇ વીડિયો)
મરાઠા આરક્ષણ નેતા મનોજ જરાંગે પાટીલે મંગળવારે મુંબઈના આઝાદ મેદાન ખાતે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી, મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળ સાથેની બેઠક, જેમાં તેમની મોટાભાગની માગણીઓ સ્વીકારવામાં આવી હતી ત્યાર બાદ તેમણે આવી જાહેરાત કરી. કૅબિનેટ સબ-કમિટીના વડા રાધાકૃષ્ણ વિખે પાટીલે વ્યક્તિગત રીતે જરાંગેને ઉપવાસના અંત તરીકે ફળોનો રસ આપ્યો અને ભીડને શાંતિથી તેમના ગામે પરત ફરવા વિનંતી કરી. ભાવનાથી ભરાઈ ગયેલા જરાંગે આ સંકેત સ્વીકારતા રડી પડ્યા હતા. તેને એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવતા, વિખે પાટીલે આ દિવસને મહારાષ્ટ્ર માટે `ઐતિહાસિક` દિવસ જાહેર કર્યો હતો. ચાર દિવસ બાદ જરાંગેના આમરણ ઉપોષણનો અંત આવ્યો છે.
આ જાહેરાતથી સ્થળ પર એકઠા થયેલા વિરોધીઓમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. વિરોધ સ્થળ પરથી સામે આવેલા વીડિયોમાં પ્રદર્શનકારીઓ ઉત્સાહથી ઉજવણી કરતા, નાચતા અને પોતાનો આનંદ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. પોતાની માગણીઓ ઉઠાવવા માટે ભેગા થયેલા મરાઠા કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા હતા. સરકારના આ સકારાત્મક પગલે મેદાનમાં રહેલા લોકોનો ઉત્સાહ સ્પષ્ટ પણે જોવા મળ્યો હતો. સરકાર સામે વિરોધ કર્યા પછી માગણીઓ માન્ય થતાં લોકો આનંદમાં ઉતરી ગયા હોવાથી વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું હતું.
જરાંગેએ શું કહ્યું
"આપણે જીતી ગયા છીએ. જો માગણીઓ પૂર્ણ થયાનું સરકારી ઠરાવ (GR) જાહેર થાય તો રાત્રે 9 વાગ્યા સુધીમાં આઝાદ મેદાન છોડી દઈશું", મનોજ જરાંગેએ આવાહન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટ સબ-કમિટી દ્વારા લાયક મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા સહિતની તેમની મોટાભાગની મુખ્ય માગણીઓ સ્વીકાર્યા બાદ આજે મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેએ વિજયની ઘોષણા કરી હતી. આ જાહેરાત આઝાદ મેદાન ખાતે તેમની અનિશ્ચિત ભૂખ હડતાળના પાંચમા દિવસે કરવામાં આવી હતી અને તેમના હજારો સમર્થકોમાં આનંદની ઉજવણી શરૂ થઈ હતી. મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટિલની આગેવાની હેઠળની પેટા-કમિટી સાથે મુલાકાત કર્યા પછી તરત જ જરાંગેએ ભીડને કહ્યું, “આપણે જીતી ગયા છીએ.” પ્રતિનિધિમંડળમાં મંત્રી શિવેન્દ્રસિંહ ભોસલે, ઉદય સામંત અને માણિકરાવ કોકાટે પણ હતા. નેતાઓએ જરાંગે સાથે પ્રસ્તાવના મુસદ્દા પર ચર્ચા કરી, જે તેમણે પછીથી પોતાના કાર્યકરો સાથે શૅર કરી.
દરમિયાન મુંબઈમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મરાઠા આંદોલનને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને તેના આસપાસના વિસ્તારોમાં હજારોની સંખ્યામાં કાર્યકરો જમા થતાં ટ્રાફિક જામ અને રેલવે સેવાઓને ઘણી અસર થઈ હતી અને તે સાથે રસ્તાઓ પર ભીડ અને કચરાની સમસ્યા પણ વધી હતી, જોકે હવે ધીરે ધીરે મરાઠા કાર્યકરોએ મુંબઈ છોડવાનું શરૂ કર્યું છે.