MBVV પોલીસે ૪ કિલો સોનાની ચોરીનો કેસ ઉકેલી નાખ્યો

11 September, 2026 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે દિનેશ લગભગ ૪ વર્ષથી શગુન જ્વેલર્સમાં કર્મચારી તરીકે કામ કરતો હતો.

પ્રતીકાત્મક તસવીર

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસે ભાઈંદરની દીપક હૉસ્પિટલ પાસે આવેલી શગુન જ્વેલર્સનો ૪ કિલો સોનાની ચોરીનો એક મોટો કેસ ઉકેલી નાખ્યો છે. એમાં રાજસ્થાનથી માસ્ટરમાઇન્ડ આરોપી દિનેશ ચૌહાણ સહિત બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે દિનેશ લગભગ ૪ વર્ષથી શગુન જ્વેલર્સમાં કર્મચારી તરીકે કામ કરતો હતો.

૧૧ ઑગસ્ટે દુકાનના માલિક રાજેશ બાફના બપોરે બહાર ગયા હતા અને દુકાનમાં અન્ય કર્મચારીઓ નહોતા ત્યારે દિનેશ તિજોરીમાંથી અંદાજે ૪ કિલો સોનું લઈને નાસી ગયો હતો.      

તપાસ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે દિનેશ રાજસ્થાનથી હરિયાણા અને ત્યાર બાદ દિલ્હી ગયો હતો. પોલીસની ટીમે ટેક્નિકલ તપાસ, અંદાજે ૨૫૦ જેટલા CCTV કૅમેરાનાં ફુટેજ અને સતત વૉચ દ્વારા તેની ગતિવિધિઓ પર નજર રાખી હતી. આખરે પોલીસે રાજસ્થાનમાં કાર્યવાહી હાથ ધરીને આરોપી દિનેશની જયપુર ગ્રામીણના એક ગામમાંથી ધરપકડ કરી હતી. તેની સાથે જ તેના સાગરીત લલિત ચૌહાણને પણ ઝડપી લેવાયો હતો. ગુરુવારે યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાહુલ ચૌહાણ દ્વારા તપાસની વિગતો શૅર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આ કેસમાં કુલ ૪ લોકો શંકાસ્પદ તરીકે ઊભરી આવ્યા છે, જેમાંથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલું ૮૦ ટકા (૩.૨૫ કરોડ રૂપિયાનું) સોનું, આશરે પાંચ લાખ રૂપિયા રોકડા અને એક કાર જપ્ત કરી છે. અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે. ધરપકડ કરાયેલા આરોપીઓની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ બાકીના નાસતા ફરતા આરોપીઓ અને ચોરાયેલા સોનાના નિકાલમાં સામેલ અન્ય લોકોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.’

mira road bhayander mira bhayandar municipal corporation