26 November, 2025 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ANC સમક્ષ ઓરી હાજર હો (તસવીર: X)
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર ઓરહાન અવત્રામણિ જે ઓરી તરીકે પ્રખ્યાત છે, તેને તાજેતરમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (ANC) દ્વારા રૂ. 252 કરોડના ડ્રગ્સ કેસના સંદર્ભમાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. શરૂઆતમાં પોતાને હાજર કરવા માટે વધારાનો સમય માગ્યા બાદ, સોશિયલ મીડિયા પર્સનાલિટી આખરે બુધવારે તપાસકર્તાઓ સમક્ષ પૂછપરછ માટે હાજર થયો છે. જોકે આ દરમિયાન લોકોની મોટી ભીડે તેને ઘેરી લીધો હતો અને તે થોડો મુશ્કેલીમાં દેખાયો હતો.
ઓરી પૂછપરછ માટે હાજર થયો
ઓરી બુધવારે રૂ. 252 કરોડના ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે ANC ઑફિસ પહોંચ્યો ત્યારે તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેના આવવાની માહિતી મળતા ઑફિસની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર તેના ઘણા વીડિયો સામે આવ્યા છે અને તે હવે વાયરલ થઈ રહ્યા છે. જેમ જેમ ઓરી પૂછપરછ માટે ઑફિસ પહોંચ્યો ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ અને પાપારાઝીઓએ તેને ઘેરી લીધો. ઓરીની તસવીર અને વીડિયો કૅપ્ચર કરવા માટે ધક્કામુક્કી કરતા હતા. આ અંધાધૂંધી વચ્ચે ઓરી ભીડમાંથી પસાર થયો, તેમ જ તેણે પોઝ આપવાનું કે પાપારાઝીને કોઈ નિવેદન આપવાનું પણ ટાળ્યું હતું. ઘણી તસવીરોમાં ઓરીને ઘેરી લેવામાં આવ્યો છે અને લોકોની ભીડની નજીકથી તેને લઈ જવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. દરેક કૅમેરા તેની પર જ હતા. આ સાથે અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત મંગળવારે રૂ. 252 કરોડના ડ્રગ્સ કેસના સંદર્ભમાં એન્ટી-નાર્કોટિક્સ સેલ સમક્ષ હાજર થયો હતો.
શું છે કેસ?
આ મહિનાની શરૂઆતમાં, કથિત ડ્રગ ટ્રાફિકર મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખ દ્વારા કરવામાં આવેલા દાવાઓ બાદ ઓરીને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું, જેને તાજેતરમાં દુબઈથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને દાઉદ ઇબ્રાહિમ ગૅન્ગ સાથે કથિત સંબંધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શેખે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તેણે દુબઈ અને મુંબઈમાં ભવ્ય પાર્ટીઓનું આયોજન કર્યું હતું, જેમાં કથિત રીતે નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર, સિદ્ધાંત કપૂર, ફિલ્મ નિર્માતાઓ અબ્બાસ-મસ્તાન, રૅપર લોકા, ઓરી અને એનસીપી નેતા ઝીશાન સિદ્દીક સહિત અનેક હાઈ-પ્રોફાઇલ વ્યક્તિઓએ હાજરી આપી હતી. 21 નવેમ્બરના રોજ, એવા અહેવાલ હતા કે ઓરીએ તપાસકર્તાઓ સમક્ષ હાજર થવા માટે વધુ સમય માગ્યો છે. ઓરીના પ્રતિનિધિ ગુરુવારે ANC સમક્ષ હાજર થયા અને પોલીસને જણાવ્યું કે તે શહેરની બહાર છે અને 25 નવેમ્બર પછી દાઉદ ઇબ્રાહિમ ગૅન્ગ સાથે જોડાયેલા કથિત ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટની તપાસમાં જોડાઈ શકશે, આ બાબતથી પરિચિત એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.