✕

શહેરનો ખરો AQI કેટલો? 182 કે પછી 99?

18 October, 2026 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉલ્લેખનીય છે કે ચોમાસાએ વિદાય લીધા બાદ શિયાળાની શરૂઆત થતાં મુંબઈની હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. AQI.in, IQAir અને PurpleAir જેવાં પ્રાઇવેટ પોર્ટલોએ મુંબઈનો AQI CPCB કરતાં ઘણો જ વધુ દાખવ્યો છે.

તસવીર : આશિષ રાજે

ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) દર્શાવતાં પ્રાઇવેટ પોર્ટલો અને સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના પોર્ટલમાં મુંબઈનો AQI જુદો-જુદો દેખાડવામાં આવી રહ્યો છે અને એમાં પણ થોડોઘણો નહીં, મોટો તફાવત જોવા મળ્યો છે. પ્રાઇવેટ પોર્ટલોમાં એક ‌દિવસે મુંબઈનો AQI 182 દેખાડવામાં આવ્યો હતો, જ્યારે CPCBના મતે એ ‌દિવસે મુંબઈનો AQI 99 હતો. બન્નેમાં આટલો તફાવત મૉનિટરિંગ નેટવર્ક, AQI કૅલ્ક્યુલેટ કરવાની પદ્ધતિ તથા ઍર ક્વૉલિટીનું સ્ટાન્ડર્ડ આ બધું જુદી રીતે કરવામાં આવતું હોવાને કારણે છે. એનો અર્થ એમ કે પ્રદૂષણનું પ્રમાણ એકસરખું હોવા છતાં AQIના રીડિંગમાં તફાવત હોઈ શકે. 

ઉલ્લેખનીય છે કે ચોમાસાએ વિદાય લીધા બાદ શિયાળાની શરૂઆત થતાં મુંબઈની હવાની ગુણવત્તા ખરાબ થઈ છે. AQI.in, IQAir અને PurpleAir જેવાં પ્રાઇવેટ પોર્ટલોએ મુંબઈનો AQI CPCB કરતાં ઘણો જ વધુ દાખવ્યો છે. AQI.inએ મુંબઈનો AQI 149થી 182 સુધીનો હોવાનું દર્શાવ્યું છે, જ્યારે IQAirએ મુંબઈનો AQI 156થી 172 વચ્ચે હોવાનું નોંધ્યું છે. એનાથી તદ્દન ઊલટું CPCBએ મુંબઈનો AQI ફક્ત 99 એટલે કે સૅટિસ્ફૅક્ટરી કૅટેગરીમાં હોવાનું નોંધ્યું છે. 

કોણ કઈ સિસ્ટમનો ઉપયોગ કરે છે એના પર આધાર

નિષ્ણાતોના મતે આમાંથી કોઈએ પણ AQI ખોટો નથી નોંધ્યો; પરંતુ એમનું મૉનિટરિંગ નેટવર્ક, AQI કૅલ્ક્યુલેટ કરવાની પદ્ધતિ જેવી બાબતોના માપદંડ જુદા-જુદા હોવાને કારણે આટલો તફાવત દેખાય છે. મોટા ભાગનાં પૉપ્યુલર ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ અમેરિકાની AQI સિસ્ટમનો ઉપયોગ કરે છે, જ્યારે CPCB ભારતની નૅશનલ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (NAQI) સિસ્ટમનો ઉપયોગ કરીને AQI કૅલ્ક્યુલેટ કરે છે. આ બન્નેની AQIની કૅટેગરીની પરિભાષા જુદી-જુદી છે.

maharashtra pollution control board mpcb mumbai weather Weather Update mumbai news