25 February, 2025 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો : આશિષ રાજે
ઘાટકોપર-ઈસ્ટમાં આવેલા લક્ષ્મીનગરની મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅશ્યલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડની બ્રાન્ચમાંથી બનાવટી દસ્તાવેજના આધારે લોન લઈને કંપનીને છેતરવા બાબતે બે વર્ષ પહેલાં કરવામાં આવેલી ફરિયાદના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરેલી તપાસમાં આ આંતરરાજ્ય કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટભરી તપાસ કરીને આવી છેતરપિંડી દ્વારા લોન પર લક્ઝરી ગાડીઓ લઈ એ કારને બીજાં રાજ્યોમાં વેચી દેનાર અથવા બીજાં રાજ્યોમાં પણ ખોટા દસ્તાવેજ રજૂ કરીને એ વાહન પર પાછી લોન લેનાર ઇન્ટર-સ્ટેટ ગૅન્ગનો પર્દાફાશ કર્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જણાયું હતું કે આરોપીઓ લોન લેવા માટે બોગસ નામે આધાર કાર્ડ, પૅન કાર્ડ, જેના નામે લોન લેવાની હોય તેના નામનાં બૅન્ક-અકાઉન્ટનાં બનાવટી સ્ટેટમેન્ટ, બનાવટી ઇન્કમ ટૅક્સ રિટર્ન તૈયાર કરતા હતા અને ત્યાર બાદ એને લોન લેવા માટે સબમિટ કરતા હતા એટલું જ નહીં, વાહનો મેળવ્યા બાદ વાહનોની રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) બુક અને બૅન્કના અલૉટમેન્ટ લેટર પણ બનાવટી બનાવતા હતા. ત્યાર બાદ આ બનાવટી દસ્તાવેજના આધારે લોન લઈને લક્ઝરી કાર ખરીદીને અન્ય રાજ્યોમાં વેચી દેવામાં આવતી હતી. કેટલાક કેસમાં એ ગાડીના બનાવટી દસ્તાવેજ અન્ય બૅન્કોમાં સુપરત કરીને એના પર પણ લોન લેવામાં આવતી હતી. આ અત્યંત જટિલ કેસની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચે ૧૦ ટીમ બનાવી હતી જેણે મુંબઈ, થાણે, ઇન્દોર અને અમદાવાદ જઈને તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ૭ આરોપીઓની ધરપકડ કરી છે અને અત્યાર સુધી ૧૬ લક્ઝરી કાર હસ્તગત કરી છે.
ICICI બૅન્ક, ઇન્ડિન બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, BMW ફાઇનૅન્સ, ટૉયોટા ફાઇનૅન્સ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્શ્યલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને હિન્દુજા ફાઇનૅન્સને બનાવટી દસ્તાવેજ આપી લક્ઝરી કાર માટે લોન લેવાતી હતી. એ માટે અત્યાર સુધીમાં ૭.૩૦ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું છે. ૬ ટૉયોટા ફૉર્ચ્યુનર, ૪ ટૉયોટા લેજન્ડર, BMW–Z4, કિયા-EV, હ્યુન્દાઇ-અલ્કાઝર, અશોક લેલૅન્ડ હાઇવા ડમ્પર, મહિન્દ્ર થાર અને મહિન્દ્ર સ્કૉર્પિયો મળી અત્યાર સુધી કુલ ૧૬ કાર આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવી છે.
ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલા મુંબઈ પોલીસ-કમિશનરેટના કમ્પાઉન્ડમાં આવેલા ક્રાઇમ બ્રાન્ચ-યુનિટ ૧ સામે અલગ-અલગ રાજ્યોમાંથી પકડી લાવેલા આ કેસના ૭ આરોપીઓ સાથે પોલીસ-ઑફિસરોની ટીમના સભ્યો. આરોપીઓ દ્વારા છેતરપિંડી કરીને મેળવેલી લોન પર લેવાયેલી ૧૬ લક્ઝરી કાર પણ પોલીસે પાછી મેળવી હતી જે લાઇનસર ગોઠવવામાં આવી હતી. તસવીરો : આશિષ રાજે