20 December, 2024 08:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટના જગડુશા નગરમાં રહેતી ૪૧ વર્ષની ગુજરાતી મહિલાએ જિયો માર્ટમાંથી મગાવેલી બરણી પાછી આપીને ૪૦૦ રૂપિયાનું રીફન્ડ મેળવવાના ચક્કરમાં ૨.૭૬ લાખ રૂપિયા
સાઇબર-ફ્રૉડમાં ગુમાવ્યા હોવાની ફરિયાદ બુધવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. બરણીની સાઇઝ નાની હોવાથી મહિલાએ રિટર્ન કરી એના ૪૦૦ રૂપિયા રીફન્ડ મેળવવા જિયો ઍપ્લિકેશન પર રિક્વેસ્ટ મૂકી હતી. એ દરમ્યાન ૧૨ ડિસેમ્બરે જિયો માર્ટમાંથી બોલતો હોવાનું કહીને અનુરાગ શર્મા નામના યુવકે ફોન કરીને મહિલાને ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન પૅકેજ (APK) ફાઇલ ડાઉનલોડ કરાવીને મહિલાના ફોનનો ઍક્સેસ મેળવી પૈસા તડફાવી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
મહિલાના બૅન્ક-અકાઉન્ટમાંથી ૧૨ ટ્રાન્ઝૅક્શનમાં પૈસા ઉપાડવામાં આવ્યા હતા એમ જણાવતાં ઘાટકોપરના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવેમ્બરના અંતમાં મહિલાએ જિયો માર્ટમાંથી ૪૦૦ રૂપિયાની બરણીનો ઑર્ડર કર્યો હતો જેની ડિલિવરી ચાર દિવસ પછી કરવામાં આવી હતી. જોકે મગાવાયેલી બરણીની સાઇઝ નાની હોવાનું જોઈને મહિલાએ બરણી રિટર્ન કરી દીધી હતી, પણ બરણી માટે ચૂકવેલા ૪૦૦ રૂપિયા પાછા મેળવવા માટે તેણે ઍપ્લિકેશન કરી હતી. દરમ્યાન ૧૨ ડિસેમ્બરે મહિલાને જિયો માર્ટમાંથી બોલતો હોવાનું કહીને અનુરાગ શર્માનો ફોન આવ્યો હતો. તેણે રીફન્ડ માટે તમારે થોડી પ્રક્રિયા કરવી પડશે એવું કહીને મહિલાને વૉટ્સઍપ પર એક APK ફાઇલ મોકલી અને એને ડાઉનલોડ કરવા કહ્યું. એ ડાઉનલોડ કરતાંની સાથે જ બે કલાકમાં ૧૨ ટ્રાન્ઝૅક્શનમાં મહિલાના બૅન્ક-ખાતામાંથી ૨.૭૬ લાખ રૂપિયા ઊપડી ગયા હતા. જોકે અકાઉન્ટમાંથી પૈસા ગયા હોવાની જાણ મહિલાને બે દિવસ પછી થઈ હતી અને ત્યાર બાદ તેણે ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.’
મહિલાએ APK ફાઇલ ડાઉનલોડ કરતાંની સાથે જ તેના ફોન-ઍક્સેસ સામેની વ્યક્તિને મળી ગયા હતા એમ જણાવતાં ઘાટકોપરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અવિનાશ કાલદાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદ નોંધીને અમે જે અકાઉન્ટમાં પૈસા ગયા છે એની માહિતી કઢાવી રહ્યા છીએ.