મુંબઈમાં પાણીના સ્ટૉકને લઈ ચિંતા! ફક્ત આટલા દિવસ ચાલશે, અનેક વિસ્તારોમાં જળ સંકટ

03 June, 2026 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પાણીની સંકટ વચ્ચે પરિસરમાં સમાન પ્રેશર જાળવવા માટે, બીએમસીની ‘ફ્લાઇંગ સ્ક્વોડ’ ગેરકાયદેસર ઇલેક્ટ્રિક સક્શન અને બૂસ્ટર પંપનો ઉપયોગ કરીને મુખ્ય પાઇપલાઇનોમાંથી પાણી ચોરી કરવાનો પ્રયાસ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈમાં કાળઝાળ ગરમી વચ્ચે, પાણીની સમસ્યા વધી રહી છે. શહેરના ગીચ વસ્તીવાળા વિસ્તારો અંધેરી, ઘાટકોપર, ચેમ્બુર, કુર્લા, ગોવંડી, સાકી નાકા, માનખુર્દ, વડાલા અને પરેલના રહેવાસીઓ પાણીની અછતને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 15 મેના રોજ લાગુ કરાયેલા ફરજિયાત 10 ટકા પાણી કાપ બાદ, ઘણા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) એ 15 મેથી સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશ જેમાં તમામ મ્યુનિસિપલ વોર્ડ, હાઉસિંગ સોસાયટીઓ અને વાણિજ્યિક સંસ્થાઓનો સમાવેશ થાય છે ત્યાં 10 ટકા પાણી કાપ લાગુ કર્યો છે. BMC ના જણાવ્યા અનુસાર, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં પાણીના સ્તરમાં પૂરતો સુધારો ન થાય ત્યાં સુધી આ પગલું અમલમાં રહેશે. જોકે, બુધવારે મુંબઈના ઘણા ભાગોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો, જેનાથી થોડી રાહતની આશા જાગી છે. આ પાણી કાપ બીએમસીના પ્રાથમિક પાણી વિતરણ નેટવર્ક સાથે જોડાયેલા હોવાથી, આ પાણી કાપ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC), ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન અને બીએમસી પાસેથી પાણી પુરવઠો મેળવતા વિવિધ ગ્રામીણ વિસ્તારોને પણ લાગુ પડે છે.

સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો

ઓછા પાણીના ફોર્સને કારણે, ઉંચા વિસ્તારોમાં સ્થિત વસાહતો અને હાઉસિંગ સોસાયટીઓ, તેમજ મુખ્ય પાઇપલાઇન્સના પાછળના ભાગમાં આવેલી સોસાયટીઓ, સૌથી વધુ પ્રભાવિત થઈ છે. અંધેરી, ઘાટકોપર, ચેમ્બુર, કુર્લા, ગોવંડી, સાકી નાકા, માનખુર્દ, વડાલા અને પરેલ જેવા વિસ્તારોમાંથી ઓછા અને અનિયમિત પાણી પુરવઠા અંગે ફરિયાદો આવી રહી છે.

પાણી ચોરી રોકવા માટે પગલાં

આ પાણીની સંકટ વચ્ચે પરિસરમાં સમાન પ્રેશર જાળવવા માટે, બીએમસીની ‘ફ્લાઇંગ સ્ક્વોડ’ ગેરકાયદેસર ઇલેક્ટ્રિક સક્શન અને બૂસ્ટર પંપનો ઉપયોગ કરીને મુખ્ય પાઇપલાઇનોમાંથી પાણી ચોરી કરવાનો પ્રયાસ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. આવા ઉપકરણો જપ્ત કરવામાં આવી રહ્યા છે. પરિણામે, મોટી સંખ્યામાં રહેવાસીઓ તેમની દૈનિક પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાનગી પાણીના ટૅન્કરો પર આધાર રાખી રહ્યા છે. ટૅન્કરના વધતા ભાવ અને સંભવિત અનિયમિતતાઓને રોકવા માટે, BMC એ તેના ભરણ સ્થળો પર દેખરેખ વધારી દીધી છે.

સાત તળાવોમાં માત્ર 15 ટકા પાણીનો સ્ટૉક બાકી

BMC ના જણાવ્યા મુજબ, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં હાલમાં તેમના કુલ પાણીના જથ્થાના માત્ર 15 ટકા પાણી છે. આ આશરે 2.21 લાખ ક્યુસેક પાણી છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનની માહિતી મુજબ વર્તમાન ભંડાર ફક્ત 45 દિવસ સુધી પાણી પુરવઠો ટકાવી રાખવા માટે પૂરતો છે. જો આગામી દિવસોમાં અપૂરતો વરસાદ પડે છે, તો પાણીની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

mumbai news Water Cut mumbai water levels Weather Update mumbai rains mumbai weather brihanmumbai municipal corporation