ફરી પાછું મુંબઈ વરસાદમાં થયું તરબોળ, આજે ઑરેન્જ અલર્ટ

16 September, 2025 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસ્તાઓ પર ખાડા હતા, હવે પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી, ટ્રૅક પર પાણી ભરાઈ જતાં લોકલ ટ્રેનો ધીમી દોડી

ગઈ કાલે રે રોડમાં જળબંબાકાર રસ્તા પરથી પસાર થતાં વાહનો.

મુંબઈમાં સોમવારની સવાર વાદળોથી ઘેરાયેલા આકાશ અને ભારે વરસાદ સાથે થઈ હતી. વીક-એન્ડ બાદ ફરી કામે ચડનારા મુંબઈગરાઓને વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ અને આસપાસનાં ઉપનગરોમાં રવિવારે મોડી રાતથી વીજળીના કડાકાભડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. હિન્દમાતા, કિંગ્સ સર્કલ, માટુંગા, ફાઇવ ગાર્ડન અને હિન્દુ કૉલોની જેવા નીચાણવાળા વિસ્તારો ફરી પાછા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સતત પડી રહેલા વરસાદને કારણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પાણી ખેંચવા માટે મૂકેલા ઉચ્ચ ક્ષમતાના પમ્પ પાણી ખેંચવાની ઝડપ ઘટી હતી. અમુક વિસ્તારોમાં BMCના કામદારોને મૅનહોલનાં ઢાંકણાં ખોલીને પાણી ઉતારવાની ફરજ પડી હતી. જોકે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે લોકોની હાલાકી વધી હતી.

સેન્ટ્રલ રેલવેના દાદર, સાયન, કુર્લા સ્ટેશનમાં ટ્રૅક પર પાણી ભરાવાથી લોકલ ટ્રેનો મોડી દોડી હતી. સવારના પીક-અવર્સમાં વેસ્ટર્ન લાઇનની ટ્રેનોની ગતિ ધીમી હતી. મુંબઈ ઍરપોર્ટ વિસ્તારમાં પણ વરસાદનું જોર વધતાં વિઝિબિલિટીની સમસ્યાને લીધે ઍરલાઇન્સ અને મુંબઈ પોલીસે પ્રવાસીઓ માટે અલર્ટ જાહેર કરી હતી. શહેરના સબવે અને અન્ડરપાસમાં પાણી ભરાતાં વાહનો ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં. ટ્રાફિક જૅમને કારણે મુસાફરો ઍરપોર્ટ પહોંચવામાં મોડા પડ્યા હતા. અંધેરી સબવેમાં દોઢ ફુટ જેટલાં પાણી ભરાતાં વાહનો પસાર થઈ શકતાં નહોતાં એથી સબવે બંધ કરીને ગોખલે બ્રિજ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં. ભારે વરસાદને પગલે મુંબઈના તાપમાનમાં સીધો ૪ ડિગ્રીનો ઘટાડો થયો હતો. એક અઠવાડિયાથી ૨૯ ડિગ્રી આસપાસ રહેતો તાપમાનનો પારો સોમવારે ૨૫ ડિગ્રી સુધી નીચે ઊતરી ગયો હતો.

સવારે ત્રણ કલાક માટે રેડ અલર્ટ જાહેર થઈ હતી

રવિવારે મધરાતે ૧ વાગ્યાથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં BMCએ અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી. સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે હવામાન પલટાતાં મુંબઈ, થાણે અને રાયગડમાં અતિશય ભારે વરસાદની આગાહી સાથે રેડ અલર્ટ જાહેર કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે દરિયાકિનારા અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક કર્યા હતા. સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધી પૂરા થયેલા ૩૬ કલાકમાં મુંબઈ શહેરમાં ૧૫૧ મિલીમીટર, પૂર્વ ઉપનગરોમાં ૧૦૬ મિલીમીટર, પશ્ચિમ ઉપનગરોમાં ૧૧૪ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આગામી ૨૪ કલાક માટે મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યારે રાયગડમાં રેડ અલર્ટની ચેતવણી આપવામાં આવી છે.

બીડમાં ૧૧ લોકો ઍરલિફ્ટ થયા, જળગાવમાં આભ ફાટ્યું

મહારાષ્ટ્રમાં વરસાદનું જોર યથાવત્ છે. પુણેમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. પુણે જિલ્લાનાં અંતરિયાળ ગામડાંઓમાંથી ૭૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બીડના અષ્ટિ તાલુકામાં અતિભારે વરસાદને કારણે ફસાયેલા ૧૧ લોકોને ઇન્ડિયન ઍરફોર્સના ચૉપરમાં ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા. વધુ ૪૦ લોકોને આર્મીના જવાનોએ સલામત સ્થળે ખસેડ્યા હતા. જળગાવમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દગડી નદીમાં પૂર આવતાં અનેક ગામડાં સંપર્કવિહોણાં બન્યાં હતાં. ગામડાંઓમાં પૂરનાં પાણી ઘૂસતાં ઢોરો, વાહનો અને ઘરવખરી તણાઈ ગયાં હતાં. ખાસ કરીને મોસંબી અને અન્ય ફળ તથા શાકભાજીના પાકને ભારે નુકસાન થયું હતું. લોકોએ મકાનોની છત પર ચડીને પોતાના જીવ બચાવ્યા હતા. આ વિસ્તારોમાં આગામી ૨૪ કલાક વધુ ભારે વરસાદની આગાહી છે.

mumbai rains mumbai monsoon mumbai weather mumbai news mumbai trains