21 June, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈની લાઈફ લાઇન લોકલ ટ્રેન હવે લોકોની લાઈફ માટે જોખમી સાબિત થઈ રહી છે. તાજેતરમાં મુંબઈની ચાલતી લોકલ ટ્રેનના દરવાજા પાસે મહિલા મુસાફરો વચ્ચે થયેલી મારપીટનો એક ભયાવહ વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે, એમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.
એક અધિકારીએ પુષ્ટિ કરી હતી કે ચાલતી લોકલ ટ્રેનના દરવાજા નજીક મહિલા મુસાફરો વચ્ચેની થયેલી મારપીટ પશ્ચિમ રેલવેની સ્પેશિયલ લોકલ ટ્રેનમાં થઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. પશ્ચિમ રેલવે (WR) ની ચર્ચગેટથી વિરાર મહિલા સ્પેશિયલ લોકલ ટ્રેનમાં તાજેતરમાં આ ઘટના બની હતી અને અમે આ બાબતની વધુ તપાસ કરી રહ્યા છીએ, એમ પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ મિડ-ડેને જણાવ્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા પ્રવાસીઓ વચ્ચે થયેલી આ દલીલ શાબ્દિક બોલાચાલીથી શરૂ થઈ હતી અને ટૂંક સમયમાં તે હિંસક બની ગઈ હતી, જેના કારણે ભીડવાળી ટ્રેનની અંદર પ્રવાસ કરી રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ વીડિયોમાં ટ્રેન દોડી રહી છે અને બે મહિલાઓ એકબીજા સામે બૂમો પાડતી અને ધક્કો મારતી પણ જોવા મળે છે.
ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાની હજી સુધી પોલીસને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી પરંતુ અધિકારીઓ પાસે વાયરલ થઈ રહેલા વીડિયો અંગે માહિતી છે જેમાં મહિલાઓ ચાલતી ટ્રેનની અંદર એકબીજા સાથે મારપીટ કરતી જોવા મળી રહી છે. "સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલી વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમારી પાસે કોઈ ફરિયાદ નોંધાઈ નથી, અને અમે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ક્યારે બન્યું," પોલીસ અધિકારીએ મિડ-ડેને જણાવ્યું. ઘટનાની તારીખ અને ચોક્કસ સ્થાન ઓળખવા માટે GRP આ મામલાની વધુ તપાસ કરી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું.
મુંબઈ લોકલમાં થયેલી આ ઘટનાને લઈને હવે ફરી એક વખત પ્રવાસીઓની સુરક્ષાને લઈને ફરી એક વખત પ્રશ્ન ઉપસ્થિત થયો છે. થોડા સમય પહેલા પણ ભારે ભીડને લીધે કેટલાક પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાંથી પડી ગયા હતા. આ ઘટનાને લઈને હવે રેલવે પ્રશાસને પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેમ જ ટ્રેનોની ફેરી વધારવાનો નિર્ણય પણ લીધો છે, જેથી ભીડ ઓછી થાય.