Video: CSMT રેલવે ટ્રેક પર ફ્લોર-ક્લીનિંગ મશીન પાટા પર પડી, સામેથી આવતી લોકલ...

13 May, 2025 04:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્ય રેલવેના પ્રવક્તાએ આ ઘટના બાબતે માહિતી આપી હતી. "ઘટનાને કારણે આ માર્ગ પર આવી રહેલી ટ્રેનને પાંચ મિનિટ માટે રોકી રાખવામાં આવી હતી. પરિસ્થિતિ તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવી હતી, અને ત્યારબાદ સેવાઓ સામાન્ય રીતે શરૂ કરવામાં આવી હતી."

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈની લાઈફ લાઈન ગણાતી મુંબઈ લોકોલ સેવાઓને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આજે 13 મે 2025ના રોજ મંગળવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન નજીકના ટ્રેક પર એક મશીન પડી ગઈ હતી. મંગળવારે સવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે ફ્લોર ક્લિનિંગ મશીન પાટા પર પડી ગયું હતું, જેના કારણે લોકલ ટ્રેનની અવરજવર પર થોડી અસર પડી હતી, એમ એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક કોન્ટ્રાક્ટ ઓપરેટરે સ્ટેશનની સાફ-સફાઈ કરતી વખતે મશીન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે સવારે ૧૧.૩૩ વાગ્યે તે મશીન પ્લેટફોર્મ છોડીને પાટા પર પડી ગઈ.

મધ્ય રેલવેના પ્રવક્તાએ આ ઘટના બાબતે માહિતી આપી હતી. "ઘટનાને કારણે આ માર્ગ પર આવી રહેલી ટ્રેનને પાંચ મિનિટ માટે રોકી રાખવામાં આવી હતી. પરિસ્થિતિ તાત્કાલિક નિયંત્રણમાં લાવવામાં આવી હતી, અને ત્યારબાદ સેવાઓ સામાન્ય રીતે શરૂ કરવામાં આવી હતી," મધ્ય રેલવે પ્રવક્તાએ જણાવ્યું હતું.

રેલવે અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા કે નુકસાન થયું નથી. રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા કર્મચારીઓએ થોડા લોકોની મદદથી મશીનને પાટા પરથી દૂર કર્યું હતું અને લોકલ સેવાઓ ફરીથી શરૂ થઈ હતી અને હવે આ મશીનની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સફાઈ મશીન રેલવે ટ્રેક પર પડ્યું છે અને તે બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓએ મશીનને ટ્રેક પરથી ઊંચકીને દૂર કર્યું.

થોડા દિવસ પહેલા ટ્રાન્સ હાર્બર સેવા પણ ખોરવાઈ હતી

તાજેતરમાં ટ્રાન્સ હાર્બર લાઈનમાં પણ રેલવે પ્રશાસનની મોટી ભૂલને લીધે સેવાઓ ખોરવાઈ હતી. સેન્ટ્રલ રેલવેના થાણેથી વાશીના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ગઈ કાલે સવારે ટ્રેનો મોડી પડતાં ઑફિસ જવા માગતા નોકરિયાતો અને વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં જવા માગતા વેપારીઓ, ગુમાસ્તાઓ અને અન્ય કર્મચારીઓ સહિત અનેક લોકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી. થાણે અને વાશી વચ્ચે બની રહેલા બ્રિજનો ગર્ડર બેસાડાઈ રહ્યો હતો. જોકે એ ગર્ડર વાંકો વળી જતાં આ સમસ્યા સર્જાઈ હતી. સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ઐરોલીના કટઈ નાકા ખાતે બની રહેલા બ્રિજ પર ગુરુવારે મધરાત બાદ એક વાગ્યાથી શુક્રવારે સવારના ૪ વાગ્યા સુધીમાં ૧૦ ગર્ડર બેસાડ્યા હતા. જોકે એમાંનો એક ગર્ડર વાંકો થઈ જતાં ટ્રેનોને અસર પહોંચી હતી. પ્રવાસીઓની સેફ્ટીનો વિચાર કરી ટ્રેનો સવારના ૭.૧૦ વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવી હતી. એ પછી સવારના ૮.૧૫ વાગ્યાથી એ ગર્ડરના રીસ્ટોરેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.’

mumbai local train central railway chhatrapati shivaji terminus viral videos AC Local mumbai trains