28 August, 2025 04:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: મિડ-ડે)
મુંબઈ શહેરની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનોમાં (Mumbai Local Train) દિવસે દિવસે લોકોની સુરક્ષાને લઈને ચિંતાઓ અને પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મુંબઈ લોકલ ટ્રેનનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મુસ્લિમ મહિલા બીજી એક મહિલા સાથે કપડાંને લઈને દલીલ કરતી જોવા મળી રહી છે. ઘટનાને લઈને હવે લોકો વચ્ચે ચર્ચા પણ શરૂ થઈ છે.
મુંબઈ લોકલ ટ્રેનનો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં બુરખો પહેરેલી એક મહિલા તેના મિત્રો સાથે દલીલ કરતી જોવા મળી રહી છે. આ ઘટનાએ સ્વતંત્રતા, ઓળખ અને ધાર્મિક અભિવ્યક્તિ જેવા વિષયો પર ઓનલાઈન ભારે ચર્ચા જગાવી છે. `ત્રિની` નામના યુઝરે 26 ઑગસ્ટ 2025 ના રોજ X પર પોસ્ટ કરેલો આ વીડિયો મુંબઈ લોકલ ટ્રેનના એક ડબ્બાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં, એક મહિલા ગુસ્સાથી બુરખો પહેરેલી છોકરીને ઠપકો આપતી સાંભળી શકાય છે જે તેના હિન્દુ મિત્રો સાથે મુસાફરી કરી રહી હતી.
`જો તારે નગ્ન ફરવું હોય તો, બુરખા વગર ફર`
મહિલા મોટેથી બૂમો પાડીને યુવાન છોકરીને ‘સમુદાયને શરમાવવા’ માટે જવાબદાર ગણાવે છે. વીડિયોમાં, મહિલા કહેતી સાંભળી શકાય છે કે "આ મુસ્લિમ છોકરીને જુઓ, તે આપણા સમુદાયને શરમાવી રહી છે... જો તારે નગ્ન ફરવું હોય તો, બુરખા વગર ફર. અમારા બુરખાનું નામ બદનામ થઈ રહ્યું છે."
ટ્રેન કોચમાં બાકીના મુસાફરોને મહિલાની આવી વિવાદસપદ અને અભદ્ર ટિપ્પણીઓથી ખૂબ ત્રાસ થઈ રહ્યો હોવાનું જણાય છે. કેટલાક લોકો એકબીજા તરફ જોતા હતા, જ્યારે અન્ય ચૂપ રહ્યા અને બધું જોઈ રહ્યા હતા. જે છોકરી પર ટિપ્પણીઓ થઈ રહી હતી, તે આ ચર્ચા દરમિયાન ચૂપ રહી અને મુશ્કેલી અનુભવતી હતી. મુંબઈની લાઈફલાઈન કહેવાતી મુંબઈની લોકલ ટ્રેનોમાં દરરોજ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના ઝઘડાના વીડિયો વાયરલ થતા રહે છે, પરંતુ આ બે સમુદાય વચ્ચે નફરત પેદા કરનાર મહિલાના વીડિયો ટ્રેનના ડબ્બાની બહાર નીકળીને વ્યક્તિગત સ્વતંત્રતા, ઓળખ અને સાંસ્કૃતિક સંવેદનશીલતા વિશે ચર્ચા જગાવી છે.
અહીં જુઓ વાયરલ થઈ રહેલો વીડિયો
આ ઘટના મુંબઈના કઈ લાઇનમાં કે કયા સ્ટેશન કે કઈ ટ્રેનમાં બની છે, તે અંગે કોઈપણ માહિતી જાહેર કરવામાં આવી નથી, જોકે તેને લઈને હવે મુસાફરો ખાસ કરીને મહિલાઓની (Women Safety in Train) આવી ઉગ્રવાદી માનસિકતાવાળા લોકોથી સુરક્ષાને લઈને પ્રશ્ન ઊભો થયો છે.