28 April, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેયર રીતુ તાવડેએ પણ પીડિતાઓના પરિવારને અટકમાં લેવા બદલ પોલીસની ટીકા કરી - તસવીર વીડિયો ગ્રેબ
મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બે સગીર બાળકીઓ સાથે થયેલા કથિત જાતીય શોષણના મામલે ભારે હોબાળો મચ્યો છે. ગઈકાલે આ ઘટના ઘણી ગાજી હતી જેમાં ઘાટકોપરના નિત્યાનંદ નગરમાં બે સગીર હિન્દુ છોકરીઓની છેડતી કરવામાં આવી હતી. આરોપીને ટ્રાન્સપોર્ટ કરતી વખતે લગભગ 30 થી 50 વ્યક્તિઓના જૂથે પોલીસ ટીમ અને શંકાસ્પદ વ્યક્તિ પર કથિત રીતે હુમલો કર્યો હતો. બાદમાં પીડિત પરિવારો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીના વિરોધમાં મુંબઈના મેયર રિતુ તાવડે અને ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ ઘાટકોપર પોલીસ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા.
ઘાટકોપર પશ્ચિમના નિત્યાનંદ નગર વિસ્તારમાં ૩૮ વર્ષીય ફિરોઝ ઈકબાલ નામના શખ્સે કથિત રીતે બે નાની બાળકીઓ (જેમની ઉંમર ૫ અને ૬ વર્ષ હોવાનું કહેવાય છે) સાથે છેડતી કરી હતી. આ ઘટનાની જાણ થતા જ ઉશ્કેરાયેલા ટોળાએ આરોપીને પકડી લીધો હતો અને તેને જાહેરમાં સજા આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પોલીસની ટીમ આરોપીની ધરપકડ કરવા પહોંચી ત્યારે પરિસ્થિતિ વણસી ગઈ હતી.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો કે, "ફિરોઝ ઈકબાલે ચાર બાળકીઓની છેડતીનો પ્રયાસ કર્યો હતો. પરિવારોની ફરિયાદ છતાં પોલીસ આરોપીની ધરપકડ કરવા માંગતી નહોતી." તેમણે વધુમાં આઘાત વ્યક્ત કરતા કહ્યું કે, પરિવારોના દબાણ બાદ પોલીસે આરોપીને તો પકડ્યો, પરંતુ તેની સાથે પીડિત બાળકીઓના પરિવારજનોની પણ ધરપકડ કરી લીધી છે. મુંબઈના મેયર રિતુ તાવડેએ પણ પોલીસની થિયરીને નકારતા જણાવ્યું કે, "મેં ઘટનાના વીડિયો જોયા છે, જેમાં પોલીસ પર કોઈ હુમલો થયો હોવાનું દેખાતું નથી. પરિવારજનો આરોપી પર હુમલો કરી રહ્યા હતા, જે સ્વાભાવિક છે કારણ કે તેમની બાળકીઓ સાથે આવું કૃત્ય થયું હોય તો તેમનું લોહી ઉકળે જ." તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે પરિવાર અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેમને સાંત્વના આપવાને બદલે અટકમાં લઈ જેલમાં કેમ પૂરવામાં આવ્યા છે?
બીજી તરફ, પોલીસનું કહેવું છે કે જ્યારે તેઓ આરોપી શેખની ધરપકડ કરવા ગયા ત્યારે 40 થી 50 લોકોના ટોળાએ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ ઝપાઝપીમાં એક પોલીસ કોન્સ્ટેબલના માથામાં હેલ્મેટ વાગતા ગંભીર ઈજા થઈ હતી અને અન્ય એક સુરક્ષાકર્મીનો હાથ ફ્રેક્ચર થયો હતો.
પોલીસે આ મામલે બે અલગ-અલગ ગુના નોંધ્યા છે:
૧. મુખ્ય આરોપી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ.
૨. પોલીસ પર હુમલો કરવા બદલ ટોળા વિરુદ્ધ કેસ.
હાલમાં પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી છે અને અન્ય 30-40 અજાણ્યા લોકો વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. મેયર અને કિરીટ સોમૈયાએ ચીમકી આપી છે કે જ્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય નહીં મળે અને આરોપીને મદદ કરનાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે.