મુંબઈના પ્રખ્યાત રિસોર્ટની મજા ફેરવાઈ શોકમાં, અર્નાળા ખાતે 8 વર્ષના છોકરાનું મોત

23 May, 2025 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જ્યારે તેના પિતા, વેંકટેશ હરિજને જોયું કે તે કોઈ પ્રતિભાવ આપી રહ્યો નથી, ત્યારે તેઓ તેની મદદ માટે દોડી ગયા. છોકરાને પૂલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

ભારે ગરમીથી બચવા અને વૅકેશેન દરમિયાન મજા માણવા લોકો સ્વિમિંગ પૂલ અને રિસોર્ટમાં જાય છે. જોકે તાજેતરમાં મુંબઈના પ્રખ્યાત રિસોર્ટમાં એક મોટી હોનારત બની હતી. આ રિસોર્ટના પૂલમાં ડૂબી જતાં એક 8 વર્ષના બાળકનું મૃત્યુ થતાં મજા શોકમાં ફેરવાઈ ગઈ હતી. બુધવારે સાંજે આઠ વર્ષનો દીક્ષાંત હરિજન નામનો બાળક અર્નાળાના એક રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં રમતી વખતે ડૂબી ગયો ત્યારે નવરાશનો દિવસ દુ:ખદ બન્યો. આ ઘટના વિરારના ડ્રીમલૅન્ડ રિસોર્ટમાં બની હતી, જ્યાં બાળક તેના પરિવાર અને મિત્રો સાથે અઠવાડિયાના મધ્યમાં ફરવા ગયો હતો. અર્નાળા મરીન પોલીસે આ ઘટનામાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.

દુર્ઘટના સમયે દીક્ષાંત ફૅમેલી સાથે વૅકેશન પર હતો

ગોરેગાંવના સંતોષ નગરનો રહેવાસી દીક્ષાંત તેના માતાપિતા અને ઘણા પરિવારના મિત્રો સાથે રિસોર્ટમાં એક દિવસના વૅકેશન માટે ગયો હતો. નાસ્તો કર્યા પછી, આ ગ્રૂપ આરામ કરવા અને એન્જોય કરવા માટે સ્વિમિંગ પૂલ ખાતે ગયો હતો. બાળકોના પૂલમાં રમતી વખતે, છોકરો પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને લપસી ગયો, જેના કારણે તેના નાક અને મોંમાં પાણી ઘૂસી ગયું.

દીક્ષાંતના પિતાએ જોયું કે તે કોઈ પ્રતિભાવ આપતો નથી, તેથી તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા

મીડિયા અહેવાલ મુજબ, દીક્ષાંત પૂલમાં ડૂબવા લાગ્યો અને તેની આસપાસના બીજા મોટા લોકોએ તેને તાત્કાલિક જોયો નહીં. જ્યારે તેના પિતા, વેંકટેશ હરિજને જોયું કે તે કોઈ પ્રતિભાવ આપી રહ્યો નથી, ત્યારે તેઓ તેની મદદ માટે દોડી ગયા. છોકરાને પૂલમાંથી બહાર કાઢવામાં આવ્યો અને નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

`રિસોર્ટ દ્વારા કોઈ ગેરરીતિ કે બેદરકારી નથી,` પોલીસ કહે છે

અર્નાળા મરીન પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે પુષ્ટિ આપી કે આ ઘટના પરિવાર અને જૂથના અન્ય સભ્યોની સામે બની હતી. "આ અકસ્માત બાળકના પરિવાર અને મિત્રોની સામે થયો હતો. રિસોર્ટ તરફથી કોઈ ગેરરીતિ કે બેદરકારીની શંકા નથી," પાટીલે અહેવાલમાં ટાંકવામાં આવ્યા મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે સંપૂર્ણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, અને સંજોગો એક દુ:ખદ અકસ્માત તરફ ઈશારો કરે છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અનેક રિસોર્ટ આવેલા છે. આ સંદર્ભમાં મુંબઈ મહાનગર પાલિકા દ્વારા અહીંના અનેક ગેરકાયદેસર રિસોર્ટ અને તેના ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી છે. અહીંનું એક રિસોર્ટ હત્યાના મામલે પણ ચર્ચામાં આવ્યું હતું.

mumbai news mumbai crime news vasai brihanmumbai municipal corporation virar