સોના સોને નહીં દેતા

10 June, 2023 08:11 AM IST  |  Mumbai | Rohit Parikh

ઝવેરી બજારની ધનજી સ્ટ્રીટના જે બિલ્ડિંગમાં ગઈ કાલે આગ લાગી હતી એમાં સેંકડો કિલો સોનું હોવાની શક્યતા છે. આગમાં સોનું ઓગળીને ગઠ્ઠો બની ગયું હોવાની શંકા હોવાથી જ્વેલરો અને સુવર્ણકારો આવી ગયા ટેન્શનમાં : આખી ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે

ઝવેરી બજારની ધનજી સ્ટ્રીટમાં ગઈ કાલે જ્વેલરીના હોલસેલ વેપારીઓના અનેક એકમ ધરાવતા બિલ્ડિંગમાં આગ લાગી હતી. સૈયદ સમીર અબેદી


મુંબઈ : સાઉથ મુંબઈની ઝવેરી બજારની ધનજી સ્ટ્રીટમાં ગુરુવારે મધરાત પછી દોઢ વાગ્યે છ માળની ઇમારતમાં લેવલ-૩ની આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે આ બિલ્ડિંગમાં રાતના સૂતેલા જ્વેલરો અને સુવર્ણકારો સહિત ૬૦ લોકોને બાજુના બિલ્ડિંગમાં સીડી મૂકીને બહાર કાઢ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી. આ ઇમારતમાં મોટા ભાગે સોનાની જ્વેલરીના હોલસેલ વેપારીઓ, સુવર્ણકારો અને ડાયમન્ડના હોલસેલ વેપારીઓની ઑફિસો છે. એમાંથી અમુકના કારીગરો અને કર્મચારીઓ આ ઇમારતમાં જ રહેતા હતા. એક અંદાજ પ્રમાણે આ ઇમારતમાં સેંકડો કિલો સોનું હોવાની શક્યતા છે. આ સોનું આગમાં ઓગળીને ગઠ્ઠો બની ગયું હોવાની શંકા છે. ફાયર બ્રિગેડના કહેવા પ્રમાણે આગ લાગવાથી આખી ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ સંજોગોમાં તેમના સોનાનું શું થયું હશે અને શું થશે એ ચિંતામાં માનસિક તાણમાં આ ઇમારતના વેપારીઓએ તેમનો ગઈ કાલનો દિવસ પસાર કર્યો હતો. આગ ઠંડી પડી ન હોવાથી આ વેપારીઓને રાતના પણ પોલીસ અને ફાયર બ્રિગેડે ઇમારતમાં જવા દેવાનો ઇનકાર કર્યો હતો. આથી વેપારીઓ સોનાની સુરક્ષા કરવા માટે રાતના પણ ઇમારતથી દૂર હટ્યા નહોતા.
સેંકડો કિલો સોનું અટવાયું
ધનજી સ્ટ્રીટની ઇમારતમાં લાગેલી આગને કારણે ધનજી સ્ટ્રીટમાં તો ફાયર બ્રિગેડે લાઇટો બંધ કરી દીધી હતી, પરંતુ એની સાથે મુંબાદેવીમાં દાગીના બજારની લાઇટો પણ બંધ કરી દેવામાં આવી હતી એમ જણાવીને ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રાષ્ટ્રીય પ્રવક્તા કુમાર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલની આગમાં અમારા અંદાજ પ્રમાણે સેંકડો કિલો સોનું ઇમારતમાં અત્યારે ફસાયેલું છે. આ ઇમારતમાં મોટા ભાગના વેપારીઓ સોનાની ચેઇન તથા સોનાની અને ડાયમન્ડની જ્વેલરીઓનો હોલસેલ બિઝનેસ કરતા હતા. આ વેપારીઓ શનિવાર-રવિવાર કે અન્ય રજાઓના દિવસોમાં તેમનું સોનું તેમની ઑફિસના લૉકરમાં મૂકી દેતા હોય છે, પરંતુ ગઈ કાલે ચાલુ દિવસ હોવાથી આ વેપારીઓએ સોનું બહાર જ રહેવા દીધું હોવાથી આગમાં આ સોનું ગળાઈ જવાની શક્યતાઓ રહેલી છે. અત્યારે આ વેપારીઓ ટેન્શનમાં હોવાથી ઇમારતમાં કેટલા કિલો સોનું હશે અને એ કઈ હાલતમાં હશે એ જાણવું અતિ મુશ્કેલીભર્યું છે. વેપારીઓ અત્યારે આ સોનાને કેવી રીતે સુરિક્ષત કરવું એની તજવીજમાં છે.’
દાગીના બજારમાં પણ નો ઘરાકી
કુમાર જૈને વધુમાં કહ્યું હતું કે ‘આ આગને કારણે ધનજી સ્ટ્રીટની સાથે અમારી દાગીના બજારની લાઇટો પણ બંધ કરવામાં આવી હોવાથી અને ગઈ કાલે સવારથી જ લોકોમાં આગની વાત પ્રસરી ગઈ હોવાથી અમારા શોરૂમોમાં ઘરાકી જ નહોતી. અમારો જનમેદનીથી ખીચોખીચ ભરેલો રહેતો રોડ ગઈકાલે સાવ જ ખાલીખમ દેખાતો હતો.’
લાકડાંની ઇમારત અને જબરું સ્ટોરેજ
આગ બાબતની માહિતી આપતાં ચીફ ફાયર ઑફિસર સંજય માંજરેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે મધરાત બાદ દોઢ વાગ્યે ધનજી સ્ટ્રીટની છ માળની એક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી. આ મકાન વર્ષો જૂનું હોવાથી એ લાકડાંનું બનેલું હતું જેને કારણે આખું બિલ્ડિંગ આગમાં ભડથું થઈ ગયું હતું. લાકડાંના બિલ્ડિંગ સિવાય આ બિલ્ડિંગમાં માલનું ખૂબ જ સ્ટોરેજ કરવામાં આવ્યું હોવાથી આગ વધુ જલદી ફેલાઈ હતી. આગનું સાચું કારણ હજી જાણી શકાયું નથી. આ કારણ મળવામાં હજી ત્રણ-ચાર દિવસ જઈ શકે છે. અમને આગ લાગવાના સમાચાર મળતાં જ અમારી બાર ફાયરવૅન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમે પહેલું કામ જૉઇન્ટ બિલ્ડિંગ હોવાથી આગ લાગી હતી એ ઇમારતના અને આસપાસની ઇમારતના ૬૬ ટકા લોકોને સીડી લગાડીને બચાવી લીધા હતા.’
બેસ્ટની તપાસ પછી લાઇટો આવશે
સંજ્ય માંજરેકરે વધુમાં કહ્યું હતું કે ‘આગ પછી આ ઇમારત અત્યંત જોખમી હાલતમાં આવી ગઈ છે. આ સ્થિતિમાં આ ઇમારત ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે. આથી અમે અત્યારથી આ વિસ્તારમાં સુરક્ષાનાં પગલાં લીધાં છે. અન્ય જે ઇમારતોની લાઇટો બંધ કરવામાં આવી છે એને બેસ્ટ તરફથી તપાસ કર્યા બાદ ચાલુ કરવામાં આવશે.’
ફાયર બ્રિગેડે બચાવ્યા
ધનજી સ્ટ્રીટના એક સ્થાનિક રહેવાસીએ આગની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અચાનક વહેલી સવારે એક ઇમારતમાં આગ ફાટી નીકળી હતી. એને કારણે આખા વિસ્તારમાં હોહા મચી ગઈ હતી. આગ લાગી ત્યારે પચાસથી સાઠ લોકો સંકુલની અંદર ફસાયેલા હતા, પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા તેમને નજીકની ઇમારતની સીડીનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.’
દુર્ઘટના નથી, કાંડ છે?
આ દુર્ઘટના નથી, એક મોટો કાંડ છે એમ જણાવતાં બાજુની ઇમારતમાં આવેલા ડાયમન્ડ અસોસિએશનના સભ્ય અને વરિષ્ઠ સામાજિક કાર્યકર ચંદ્રશેખર શુકલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગ અત્યંત જોખમી હાલતમાં  હતું. એના ઇલેક્ટ્રિકના વાયરો ‘સી’ વૉર્ડનાં અન્ય બિલ્ડિંગોની જેમ ખુલ્લા લટકતા હતા. આ બિલ્ડિંગમાં જ નહીં, આસપાસનાં બિલ્ડિંગોમાં પણ વેપારીઓ અને તેમના કર્મચારીઓ જાનના જોખમે અવરજવર કરતા હોય છે. આગ લાગી એ ઇમારત રીડેવલપમેન્ટમાં જવાની હતી. એ સમયે રાતના સમયે અચાનક આગ ફાટી નીકળવી એ આશ્ચર્યજનક બીના છે. આમાં કોઈને પણ શંકા જાય એમાં નવાઈ નથી. આ ઘટના દિવસે બની હોત તો કદાચ બહુ મોટી સંખ્યામાં જાનહાનિ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. નાની આગ પાંચમા માળ સુધી કેવી રીતે ફેલાઈ એ બહુ મોટો સવાલ છે. પોલીસ અને ફાયર બ્રિગેડે આની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ.’
ધનજી સ્ટ્રીટમાં બિઝનેસ બંધ રહ્યો
આ આગને કારણે ધનજી સ્ટ્રીટના વેપારીઓએ બહુ મોટા નુકસાનમાંથી પસાર થવું પડ્યું છે એમ જણાવીને ચંદ્રશેખર શુકલાએ કહ્યું હતું કે ‘ધનજી સ્ટ્રીટમાં પાંચ હજારથી વધુ વેપારીઓ અને સુવર્ણકારો છે. અહીં નાની-નાની કૅબિનો બનાવીને લોકો તેમનો હોલસેલ જ્વેલરીનો બિઝનેસ કરે છે. આ વેપારીઓ પાસે દેશભરના હજારો વેપારીઓ ખરીદી કરવા માટે આવે છે. જે ઇમારતમાં આગ લાગી એની બહાર દિવસે સેંકડો વેપારીઓ રોડ પર ઊભા રહીને બિઝનેસ કરતા હોય છે. ગઈ કાલે આગ લાગવાથી ફાયર બ્રિગેડે આખી ધનજી સ્ટ્રીટની લાઇટો બંધ કરી દીધી હતી એટલે મલાડ, બોરીવલી, દહિસરથી આવતા વેપારીઓએ તેમની દુકાનો અને ઑફિસો ન ખોલવાનું મુનાસિબ સમજ્યું હતું. જે લોકો આવ્યા હતા તેમને પોલીસે અને ફાયર બ્રિગેડે ધનજી સ્ટ્રીટની આસપાસનો વિસ્તાર કૉર્ડન કરી લીધો હોવાથી અંદર જવા મળ્યું નહોતું. એને કારણે ધનજી સ્ટ્રીટના વેપારીઓ અને સુવર્ણકારોએ ગઈ કાલે નાછૂટકે બંધ પાળ્યો હતો. આ બંધથી હોલસેલના બિઝનેસમાં લાખો રૂપિયાનું નુકસાન થવાની પૂરતી સંભાવના છે.’
જર્જરિત ઇમારતો અને લટકતા વાયરો 
આગનું જે કારણ મળે એ, પણ ધનજી સ્ટ્રીટની અને ‘સી’ વૉર્ડની અનેક જર્જરિત ઇમારતો અને આ ઇમારતોની અંદર-બહાર લટકતા ઇલેક્ટ્રિકના વાયરો આવી આગની દુર્ઘટના માટે જવાબદાર બને છે એમ જણાવીને ચંદ્રશેખર શુકલાએ કહ્યું હતું કે ‘ગઈ કાલની આગ પ્રસરી હોત તો કદાચ અનેક ઇમારતોને ભરખી ગઈ હોત. આના માટે મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડ, ઇલેક્ટ્રિક કંપનીઓ બધાં જ જવાબદાર છે જેઓ સુરક્ષા માટે કોઈ જ પગલાં લેતાં નથી. આવા અધિકારીઓ સામે પણ કાયદીકય કાર્યવાહી કરવી જરૂરી છે.’
સોમવાર સુધી લાઇટ નહીં?
જે ઇમારતમાં આગ લાગી હતી એની બાજુની ઇમારતના સોનાની ચેઇનના હોલસેલ વેપારી કિશોરભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે ઇમારતમાં આગ લાગી છે એ ઇમારતના વેપારીઓ ગઈ કાલે મોડી રાત સુધી તેમના સોનાની ચિંતામાં અને એને કેવી રીતે સુરિક્ષત કરવું એના ટેન્શનમાં જ હતા. આગને લીધે જાનહાનિ થઈ નથી, પણ માલમતાની નુકસાનીના આંકડા આવતા હજી સમય લાગશે. આગની ઘટનાથી આ ઇમારતના વેપારીઓ આઘાતમાં આવી ગયા છે. તેમના માટે તેમની માલમતા કેવી રીતે બચશે એ મોટું ટેન્શન છે. લાઇટો બંધ હોવાથી વેપારીઓએ આજે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. અમને મળેલા સમાચાર પ્રમાણે સોમવાર સુધી લાઇટ આવવાની નથી.’

એક ગ્રામ સોનું આડુંઅવળું નહીં થાય
ગઈ કાલે રાત સુધી ફાયર બ્રિગેડે ધનજી સ્ટ્રીટની જે ઇમારતમાં આગ લાગી હતી એનું પંચનામું કર્યું નહોતું. આ માહિતી આપતાં ફૅશન ઍન્ડ જ્વેલરી અસોસિએશન ઑફ મુંબઈના અધ્યક્ષ હિતેશ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વેપારીઓને આગની જાણકારી મળી ત્યારથી જ તેઓ તેમની માલમતા અને એમાં પણ વિશેષ કરીને તેમના સોનાના મુદ્દે ટેન્શનમાં છે. તેઓ તેમનું સોનું કબજે કરવા સવારથી તેમની ઇમારતની નીચે રાહ જોઈને ઊભા છે. વેપારીઓના આ ટેન્શનના સંદર્ભમાં અમારા અસોસિએશન તરફથી પાયધુની પોલીસ સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટર સાથે મીટિંગ કરવામાં આવી હતી. તેમણે અમને બાંયધરી આપી છે કે આ ઇમારતમાંથી એક ગ્રામ સોનું પણ આડુંઅવળું થશે નહીં અને અમે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી છે. આમ છતાં વેપારીઓએ ગઈ કાલે રાતે તેમના સોનાની સુરક્ષા માટે ઇમારત પાસે ચોકી કરવાનો નિર્ણય લીધો હતો. 

fire incident mumbai news south mumbai