07 September, 2015 03:44 AM IST |
આ વરસે દહીહંડીમાં ગત વર્ષો જેવો ઉત્સાહ જોવા મળ્યોનહોતો અને તેથી મુંબઈના રસ્તાઓ પણ જાણે સૂમસામ દેખાતા હતા. મોટા ભાગના મોટરિસ્ટોને ગઈ કાલે કોઈ તકલીફ પડી નહોતી અને વરસાદ પણ રૂઠ્યો હોવાથી ગોવિંદાઓ પરસેવે રેબઝેબ થયા હતા. કોર્ટના કડક આદેશો અને નિયમોના કારણે કૉન્ગ્રેસ અને NCPએ મુંબઈ અને થાણે પરિસરમાં દહીહંડીનાં મોટા ભાગનાં આયોજનો રદ કરી દીધાં હતાં, પણ શિવસેના અને BJPએ આ વખતે મોટા પાયે આયોજનો કર્યા હતાં. મુંબઈમાં ૩૪૭૦ દહીહંડી લગાવવામાં આવી હતી. એમાં ૯૬ દહીહંડીમાં ૫૦,૦૦૦થી એક લાખ રૂપિયા સુધીનાં ઇનામો હતાં, જ્યારે ૯૨ દહીહંડીમાં એક લાખ રૂપિયાથી વધારે ઇનામો હતાં. જોગેશ્વરીના જય જવાન મંડળે મુંબઈમાં બાંદરામાં તથા થાણેમાં સંકલ્પ અને ટેમ્ભીનાકામાં નવ થર લગાવ્યા હતા. ૨૦૦૮થી આ મંડળ નવ થર લગાવવા માટે જાણીતું છે. કોર્ટના કડક નિયમોના કારણે સવારે વાતાવરણ થોડું શાંત હતું, પણ બપોર પછી માહોલ સુધર્યો હતો. જોકે સાંજે સાત વાગ્યા સુધીમાં અડધા ગોવિંદા ઘરે પહોંચી ગયા હતા. રાત્રે બાંદરાથી બોરીવલીના પટ્ટામાં અને થાણેમાં મટકીઓ ફૂટી હતી.
પાંચ થર સુધીની લિમિટેશન, દહીહંડીની ઊંચાઈ ૨૦ ફુટથી ઉંચાઈ વધારે ન હોવી જોઈએ, અવાજ પર પ્રતિબંધ, બાર વર્ષથી ઓછી વયના ગોવિંદાઓ ભાગ ન લે એ માટેની કડક સતર્કતા જેવા અનેક નવા નિયમોને પગલે આ વર્ષે દહીહંડીનો ઉત્સવ ઠંડો જોવા મળ્યોહતો. કાલાચૌકીમાં આ વર્ષે દહીહંડીનો ઉત્સવ ઊજવાયો નહીં. NCPના જિતેન્દ્ર આવ્હાડની થાણેની અને સચિન અહિરની વરલીની દહીહંડી કૅન્સલ થઈ હતી.
બોરીવલી, કાંદિવલી અને દહિસરમાં મોટી બે દહીહંડીઓનું આયોજન હોવા છતાં વાતાવરણ ઠંડું જોવા મળ્યું.
નિયમોની ઐસી કી તૈસી
બાર વર્ષથી ઓછી વયના ગોવિંદાઓ પર પ્રતિબંધ હોવા છતાં પરેલમાં મુકુંદ જાધવના દહીહંડી ઉત્સવમાં નિયમને કોરાણે મૂકીને બાર વર્ષથી ઓછી વયના ગોવિંદાઓએ પણ ભાગ લીધો હતો. એ સિવાય બોરીવલીમાં ઓમ સાંઈ બ્રહ્માંડ ગોવિંદા-પથકે આઠ થરનો પિરામિડ રચ્યો હતો. દાદરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા આયોજક અને ગોવિંદા-પથકોના વિરોધમાં સ્વાતિ પાટીલે શિવાજી પાર્ક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કોઈ પણ મંડળ બાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી માતા-પિતાના સર્ટિફિકેટની માગણી કરતા નહોતા.
ભિવંડીમાં ૩૩ લાખની દહીહંડી
ભિવંડીમાં વિધાનસભ્ય કપિલ પાટીલની દહીહંડી ફોડવા માટે ૩૩ લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ દહીહંડીમાં અનેક કલાકારો હાજર રહ્યા હતા.
પાણીનો બગાડ
ઐરોલીમાં નગરસેવક વિજય ચૌગુલેની દહીહંડીમાં અને શિવડીની દહીહંડીમાં પાણીનો બગાડ થયો હતો. એ સિવાય દાદરના ખાંડકે બિલ્ડિંગના પરિસરમાં ઉજવાયેલી દહીહંડીમાં ટૅન્કરના પાણીનો ફુવારા ઉડાડવામાં ઉપયોગ થયો હતો. થાણેના સંસદસભ્ય રાજન વિચારેની દહીહંડીમાં પણ પાણીનો બગાડ થયો હતો.
ઉત્સાહભેર ઉજવાયેલી દહીહંડીઓ
માગાઠાણે તુડુંબમાં તારામતી ફાઉન્ડેશન અને શિવસેનાની દહીહંડી ઉલ્લાસભેર ઊજવાઈ હતી. અનેક પથકોના ગોવિંદાઓએ આવીને દહીહંડી ફોડવાની કોશિશ કરી હતી. એમાં લોકોનો ઉત્સાહ પણ જોવા મળ્યોહતો. દાદરમાં જોઈ ન શકતા ગોવિંદાઓએ પિરામિડ રચીને બધાને ચકિત કરી દીધા હતા. બોરીવલીના શિવસાંઈ મંડળે વર્તકનગરમાં નવ થરનો પિરામિડ રચ્યો હતો.
કાંદાનું વિતરણ
દાદરની ફૂલમાર્કેટમાં શિવસેનાની શાખા ૧૮૪એ દહીહંડી ફોડવા આવેલા ગોવિદાઓમાં કાંદાનું વિતરણ કર્યું હતું.