06 October, 2024 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સાંજે મુંબઈની પહેલવહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોને લોકાર્પણ કરી હતી. આરેથી કોલાબા સુધીની મેટ્રો ૩ લાઇનના પહેલા તબક્કામાં આરે જેવીએલઆર મેટ્રો સ્ટેશનથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સ્ટેશન સુધીની લાઇનને ગઈ કાલે લોકાર્પણ કરવામાં આવી હતી. બાદમાં વડા પ્રધાને સ્ટુડન્ટ્સ, લાડકી બહિણ યોજનાની લાભાર્થી મહિલાઓ અને મેટ્રો પ્રોજેક્ટમાં સામેલ કામદારો સાથે મેટ્રોમાં પ્રવાસ પણ કર્યો હતો. વડા પ્રધાને આ સમયે મેટ્રો ૩ના અધિકારીઓ અને એન્જિનિયરો સાથે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન બનાવવા માટે તેમને થયેલા અનુભવ જાણ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંતાક્રુઝ મેટ્રો સ્ટેશન સુધી પ્રવાસ કર્યો હતો અને બાદમાં તેઓ BKC રિટર્ન થયા હતા.
પબ્લિક માટે સોમવારે સવારે ૧૧ વાગ્યે શરૂ થશે
મેટ્રો ૩ ગઈ કાલે લોકાર્પણ તો થઈ ગઈ છે, પણ મુંબઈગરાઓએ અન્ડરગ્રાઉન્ડ મેટ્રોમાં પ્રવાસ કરવાનો રોમાંચ અનુભવવા માટે એક દિવસ રાહ જોવી પડશે. સોમવારે મેટ્રો ૩ની લાઇન સવારના ૧૧ વાગ્યે મુંબઈગરાઓ માટે ખુલ્લી કરવામાં આવશે અને રાતના ૧૦.૩૦ વાગ્યા સુધી પ્રવાસ કરી શકાશે. મંગળવારથી સવારના ૬.૩૦ વાગ્યાથી રાતના ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન ઍક્વા લાઇન તરીકે ઓળખાતી મેટ્રો ૩ રેગ્યુલર દોડશે.