27 August, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સના વેપારી રાકેશ મહેતા તેમના કપોળ ગ્રુપ સાથે કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયા હતા
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા ભારત ડાયમન્ડ બુર્સના વેપારી રાકેશ મહેતા તેમના કપોળ ગ્રુપ સાથે કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયા હતા. મહાપૂરની આ ઘટના જ્યાં બની એ નેપાલ-તિબેટની બૉર્ડર પર તેઓ બે દિવસ પહેલાં જ હતા અને ઇમિગ્રેશન કરાવ્યું હતું. તેમણે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે કપોળ ગ્રુપના ૯૨ જણ છીએ જે એ.ડી. ટ્રાવેલ સાથે ટૂર કરી રહ્યા છીએ. અમે બધા દાલચિન આવી ગયા છીએ. અમારી સાથે અહીં ભારતના લગભગ બીજા ૨૦૦ કરતાં વધુ ટૂરિસ્ટો છે જેમાં યાત્રાડૉટકૉમનું પણ ગ્રુપ છે અને સાઉથનું પણ ગ્રુપ છે. બીજાં પણ અલગ-અલગ ગ્રુપો છે. વી ઑલ આર સેફ. ત્યાંના આજના સમાચાર અને વિડિયો જોઈ ચોંકી જવાય છે. હોપ બધા સેફ હોય.’
મુલુંડમાં રહેતા અને આત્મવલ્લભ ઇન્ડસ્ટ્રીની બ્રૅન્ડ હેઠળ ગોલ્ડ કૉઇનનું કામકાજ ધરાવતા સંજીવ જૈન અને તેમનાં પત્ની મોનિકા જૈન નેપાલની ટૂર પર છે અને કોઈ જ કૉન્ટૅક્ટ ન થઈ શકતાં તેમનો પરિવાર અને મિત્રો-સંબંધીઓ બધા જ ચિંતામાં છે. તેમના મિત્ર સંજીવ સુતરિયાના જણાવ્યા મુજબ તેમનો દીકરો અમન અને અન્ય પરિવારના સભ્યો તેમને શોધવા બને એટલા પ્રયાસ કરી રહ્યા છે. તેમના ફોન સ્વિચ્ડ-ઑફ આવે છે. નેપાલ ટૂરિઝમ બોર્ડ અને પોલીસ દ્વારા જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે અેના પર પણ બન્નેની વિગતો આપી છે, પણ તેમના તરફથી કોઈ પૉઝિટિવ રિસ્પૉન્સ મળ્યો નથી એટલે હાલ તો અહીં પરિવાર ભારે ચિંતામાં છે.