સરકારે કરેલાં સારાં કામ વિરોધીઓ જોઈ નથી શકતા

04 December, 2022 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એકનાથ શિંદે શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સહિત ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને બીજેપીના સહયોગથી મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારથી વિરોધીઓ તેમને સતત ટાર્ગેટ કરી રહ્યા છે.

એકનાથ શિંદે


મુંબઈ ઃ એકનાથ શિંદે શિવસેનાના ૪૦ વિધાનસભ્યો સહિત ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડીને બીજેપીના સહયોગથી મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારથી વિરોધીઓ તેમને સતત ટાર્ગેટ કરી રહ્યા છે. આ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે વિરોધીઓને સરકારનાં સારાં કામ દેખાતાં નથી. 
છત્રપતિ શિવાજી મહારાજ વિશે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ પણ તેમની સામે રાજ્ય સરકારે કોઈ પગલાં નથી લીધાં એટલે વિરોધીઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કેમ આ મામલે ચૂપ છે એવો સવાલ કરી રહ્યા છે.
આના જવાબમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘રાજ્યમાં અત્યારે મને બદનામ કરવા માટે રીતસર સ્પર્ધા ચાલી રહી છે અને મારા પર જાતજાતના આરોપ કરાઈ રહ્યા છે. મારો અને સરકારનો વિરોધ કરી રહેલા લોકોને અમારી સરકાર સારાં કામ કરી રહી છે એ વાત હજમ નથી થતી એટલે તેઓ પાયાવિહોણા આરોપ કરવાની સાથે ટીકા કરી રહ્યા છે. વિરોધીઓને હું સરકારના કામથી જવાબ આપી રહ્યો છું અને આપતો રહીશ. રાજ્યમાં અત્યારે વિકાસના અનેક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે.’
રાજ્યપાલ માટે માપદંડ નક્કી કરવા જોઈએ ઃ ઉદ્ધવ ઠાકરે
શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યના રાજ્યપાલની નિયુક્તિ કરવા માટે કેટલાક માપદંડ નક્કી કરવા જોઈએ. અત્યારના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ છત્રપતિ શિવાજી મહારાજ અને સમાજસુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલે સહિત અનેક મહાનુભાવોનું અપમાન કર્યું છે. રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ હોવાથી તેમની કોઈ પણ રાજ્યમાં નિયુક્તિ કરવા માટેના માપદંડ રાખવા જોઈએ. હું આવી માગણી કરીશ. મગજ વિનાના રાજ્યપાલથી રાજ્યની છબિ ખરડાય છે. કેન્દ્ર સરકારે આવા લોકો બાબતે વિચાર કરવો જોઈએ.’
૧૧ ડિસેમ્બરે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે શરૂ થશે
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને બીજા નંબરના શહેર નાગપુરને જોડતા મહત્ત્વના મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવેમાં પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે. આથી ૧૧ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથે નાગપુર-શિર્ડી સુધીના એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સવારે નાગપુરમાં મેટ્રો અને સમૃદ્ધિ એક્સપ્રેસવેની મુલાકાત લીધી હતી. તેમણે બાદમાં કહ્યું હતું કે ‘૧૧ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાગપુર-શિર્ડી સુધીના પહેલા તબક્કાના સમૃદ્ધિ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમયે ૨૦ હજાર જેટલા લોકો હાજર રહેશે.’ 
મુંબઈ અને નાગપુરને જોડતો એક્સપ્રેસવે રાજ્યનો મહત્ત્વનો પ્રોજેક્ટ છે, જેનું કામ શરૂ કરવાથી માંડીને પૂરો કરવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે ૨૦૧૪થી કામ કરી રહ્યા હતા.

mumbai news eknath shinde