વેનેઝુએલાથી ભારત લવાયેલા ભારતીય નાવિકના મૃતદેહમાંથી અંગો ગાયબ

01 July, 2026 10:26 AM IST  |  Venezuela | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના રાકેશ ચૌહાણના પાર્થિવ દેહમાંથી હૃદય, કિડની, મગજ અને ફેફસાં સહિતનાં મુખ્ય અંગો ગાયબ હોવાનો પોસ્ટમૉર્ટમમાં ખુલાસો

પ્રતીકાત્મક તસવીર

વેનેઝુએલાથી ભારત પરત લાવવામાં આવેલા એક ભારતીય નાવિકના મૃતદેહમાંથી હૃદય અને કિડની સહિતનાં અનેક મહત્ત્વનાં આંતરિક અંગો ગાયબ હોવાનો અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે નાવિકના પરિવારે ગંભીર આક્ષેપો કરીને આ મામલે વિગતવાર અને નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી છે. નાવિકની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી રાકેશ ચૌહાણ તરીકે થઈ છે. તેનું વેનેઝુએલામાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ફેડરેશન ઑફ સીફેરર્સ યુનિયન્સ ઑફ ઇન્ડિયા (FSUI)ના જણાવ્યા અનુસાર વેનેઝુએલાના સત્તાવાળાઓ દ્વારા પરિવારને કોઈ સત્તાવાર રિપોર્ટ કે મોતનું સ્પષ્ટ કારણ આપ્યા વિના જ મૃતદેહ ભારત મોકલી દેવાયો હતો.

ભારતમાં જ્યારે મૃતદેહનું ફરીથી પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું ત્યારે તબીબી તપાસમાં બહાર આવ્યું કે શરીરમાં મગજ, હૃદય, બન્ને ફેફસાં, લિવર, કિડની, સ્વાદુપિંડ અને પેટ સહિતનાં કોઈ મુખ્ય અંગો હાજર નહોતાં. ડૉક્ટરોએ નોંધ્યું છે કે મૃતદેહ પર ગરદનથી લઈને નીચલા ભાગ સુધી ૨૨ ટાંકા અને એક કાનથી બીજા કાન સુધી ૨૧ ટાંકા લેવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે બૉડીને ભારત મોકલતાં પહેલાં કોઈ મોટી સર્જિકલ પ્રક્રિયા કરવામાં આવી હતી. 

international news world news venezuela india indian government uttar pradesh