✕

પોલીસ-કમિશનરનો ફોન પણ સલામત નથી તો પછી આપણી તો શી વિસાત?

18 November, 2026 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેના પોલીસ-ચીફ આશુતોષ ડુંબરેનો ફોન અને વૉટ્સઍપ અકાઉન્ટ હૅક થઈ ગયાં, સ્ટેટસ પર ૧૨ પૉર્ન વિડિયો અપલોડ કરી દેવામાં આવ્યા

થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરે

થાણેના પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેનો મોબાઇલ ફોન અને વૉટ્સઍપ અકાઉન્ટ ગઈ કાલે સાંજે કોઈ અજાણ્યા હૅકર્સ દ્વારા હૅક કરવામાં આવ્યાં હતાં. સાઇબર ક્રાઇમની આ ગંભીર ઘટનામાં હૅકર્સે પોલીસ-કમિશનરના સત્તાવાર વૉટ્સઍપ અકાઉન્ટનો ઍક્સેસ મેળવીને એના પર ૧૨ કરતાં વધુ અશ્લીલ વિડિયો સ્ટેટસ તરીકે અપલોડ કરી દીધા હતા.

રાજ્યના એક સિનિયર ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી અને પોલીસવડાનું જ સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થવાની આ ઘટનાથી પોલીસદળમાં ભારે દોડધામ મચાવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થાણે પોલીસના સાઇબર સેલ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને આ હૅકિંગ પાછળ કોનો હાથ છે એ વિશે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ સીધા પોલીસ-કમિશનરનું જ અકાઉન્ટ સુરક્ષિત ન રહેતાં સામાન્ય પ્રજામાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારે ચર્ચા વ્યાપી ગઈ છે કે જો પોલીસવડાની આ હાલત હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું?

થાણે પોલીસે નાગરિકોને અપીલ કરી

પોલીસ-કમિશનર આશુતોષ ડુંબરેનું વૉટ્સઍપ અકાઉન્ટ અજાણી વ્યક્તિઓ દ્વારા હૅક કરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. હૅકર્સ દ્વારા આ સત્તાવાર અકાઉન્ટના સ્ટેટસ પર કેટલાક અશ્લીલ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યા છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઈ કાલે થાણે પોલીસ દ્વારા સત્તાવાર પ્રેસનોટ જાહેર કરીને નાગરિકો માટે મહત્ત્વની સૂચના અને અપીલ કરવામાં આવી હતી. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આ સ્ટેટસ પરના કોઈ પણ વિડિયો પર વિશ્વાસ ન કરવો, એને ડાઉનલોડ કે ફૉર્વર્ડ ન કરવો તેમ જ શંકાસ્પદ લિંક્સ કે સંદેશાઓને પ્રતિસાદ ન આપવો. આ કૃત્ય કરનાર અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

thane crime thane cyber crime whatsapp mumbai news