ફોન ટેપિંગ મામલો: કોલાબા પોલીસે નોંધ્યું સંજય રાઉતનું નિવેદન, જાણો વધુ

09 April, 2022 07:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અગાઉ શુક્રવારે કોલાબા પોલીસે તેને સંબંધિત કેસમાં તેનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું.

સંજય રાઉત

તાજેતરમાં થયેલા ગોવા વિધાનસભા ચૂંટણીમાં ફોન ટેપિંગનો આક્ષેપ લગાવનાર શિવસેના નેતા સંજય રાઉત(Sanjay Raut)નું નિવેદન મુંબઈની કોલાબા પોલીસે નિવેદન નોંધ્યું છે. અગાઉ શુક્રવારે કોલાબા પોલીસે તેને સંબંધિત કેસમાં તેનું નિવેદન નોંધવા માટે સમન્સ પાઠવ્યું હતું. વાસ્તવમાં, સંજય રાઉતે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે જ્યાં પણ ચૂંટણી થઈ રહી છે ત્યાં ઘણા વિપક્ષી નેતાઓના ફોન ટેપ થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, અમને ગોવામાં યોજાનારી ચૂંટણીને લઈને ફોન ટેપ કરવાની ઘણી માહિતી મળી છે.


બે જગ્યાએ કેસ નોંધાયા હતા
સંજય રાઉતે પોતાના ટ્વીટમાં IPS ઓફિસર રશ્મિ શુક્લાનો ઉલ્લેખ કર્યો હતો. રશ્મિ શુક્લા પર રાજ્ય ગુપ્તચર વિભાગ (SID)ના વડા તરીકે મહારાષ્ટ્રના નેતાઓના ફોન ટેપ કરવાનો આરોપ છે. તેની સામે મુંબઈ અને પુણેમાં કેસ નોંધાયા હતા.


શુક્લાનું નિવેદન નોંધવામાં આવ્યું છે
ગત મહિને ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી અને મહારાષ્ટ્ર ગુપ્તચર વિભાગના ભૂતપૂર્વ વડા રશ્મિ શુક્લાએ કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ કેસમાં તેમનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે તેની લગભગ અઢી કલાક પૂછપરછ કરી હતી. આ મામલામાં પોલીસે પહેલા કહ્યું હતું કે આ મામલો તે સમયનો છે જ્યારે શુક્લા મહારાષ્ટ્રના સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (SID)ના વડા હતા.

સંજય રાઉતે આ આરોપ લગાવ્યો હતો
ટ્વીટર પર શેર કરેલી પોતાની પોસ્ટમાં રાઉતે લખ્યું છે કે જે રીતે મહારાષ્ટ્રના નેતાઓના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. હવે ગોવામાં પણ વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવામાં આવ્યા છે. સુદિન ધાવલીકર, વિજય સરદેસાઈ, દિગંબર કામત અને ગિરીશ ચોડંકરના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. આખો દેશ જાણવા માંગે છે કે આ ટેપિંગ પાછળ ગોવાની રશ્મિ શુક્લા કોણ છે?

mumbai news sanjay raut