24 December, 2025 09:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ-ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવાર, 24 ડિસેમ્બરના રોજ શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના આજે જાહેર થયેલા ગઠબંધન પર કટાક્ષ કર્યો અને તેને બિનજરૂરી `પ્રચાર` ગણાવ્યો, જાણે કે ઝેલેન્સકી અને પુતિન રશિયા અને યુક્રેન વાટાઘાટો માટે ભેગા થયા હોય. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ 2026 માં યોજાનારી મહત્ત્વપૂર્ણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ચૂંટણીઓ પહેલા ઔપચારિક રીતે ગઠબંધન જાહેરાત કર્યા પછી મુંબઈના રાજકીય વાતાવરણ ગરમાયું છે.
પત્રકારો સાથે વાત કરતા, મુખ્ય પ્રધાન ફડણવીસે ઠાકરે ભાઇઓના ગઠબંધન બાબતે કહ્યું, "તેઓ એવી રીતે પ્રચાર કરી રહ્યા છે કે જાણે રશિયા અને યુક્રેન આખરે સાથે આવી ગયા હોય અને ઝેલેન્સકી અને પુતિન આખરે વાતચીત કરી રહ્યા હોય." મુખ્ય પ્રધાને તેમની વધુ ટીકા કરી અને કહ્યું કે આ બન્ને પક્ષો તેમના રાજકીય અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા હોવાથી સાથે આવ્યા છે. "તેઓએ વારંવાર પોતાનું વલણ બદલ્યું છે, લોકોમાં અવિશ્વાસ પેદા કર્યો છે. તુષ્ટિકરણની નીતિ અપનાવીને, તેમણે પોતાની વોટ બૅન્ક પણ ગુમાવી દીધી છે. હવે, જ્યારે આવા પક્ષો એકસાથે આવે છે, ત્યારે તેનો ખરેખર શું પ્રભાવ પડશે?"
બેઠકોની વહેંચણીની જાહેરાત નથી થઈ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રાજ ઠાકરે દ્વારા ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમણે પુષ્ટિ આપી હતી કે બન્ને પક્ષો આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ સાથે મળીને લડશે. જોકે, બન્ને નેતાઓએ તેમની બેઠકોની વહેંચણી બાબતે વિગતો જાહેર ન કરવાનું પસંદ કર્યું, અને કહ્યું કે ફોર્મ્યુલા યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ગુપ્તતા સમજાવતા, રાજ ઠાકરેએ ટિપ્પણી કરી, “મહારાષ્ટ્રમાં અપહરણકારોની એક ટોળકી છે જેણે ભય પેદા કર્યો છે. તેઓ તેમના પક્ષોના રાજકીય લોકોનું પણ અપહરણ કરી રહ્યા છે. તેથી, અમે તેમનાથી સાવચેત રહીએ છીએ અને આંકડા ગુપ્ત રાખીએ છીએ.” જોકે, અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું કે મનસે 60-70 બેઠકો પર લડે તેવી શક્યતા છે, જ્યારે શિવસેના 150 થી વધુ બેઠકો પર લડે તેવી શક્યતા છે. મુંબઈ અને પુણે સહિત 29 મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાવાની છે, જ્યારે મતગણતરી 16 જાન્યુઆરીએ યોજાવાની છે.
અગાઉ, શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે બન્ને પક્ષો તેમની સંયુક્ત લડાઈ મુંબઈ સુધી મર્યાદિત નહીં રાખે અને પાંચ મુખ્ય મ્યુનિસિપલ કૉર્પોરેશનો, જેમ કે થાણે, મીરા ભાઈંદર, કલ્યાણ ડોમ્બિવલી અને નાસિકમાં પણ સાથે મળીને ચૂંટણી લડશે. વધુમાં, બન્ને ભાઈઓ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સંયુક્ત રેલીઓ યોજવા માટે પણ તૈયાર છે. જેથી હવે 15 તારીખે યોજાનારી ચૂંટણી બાદ 16 તારીખે મતગણતરીના દિવસે ઠાકરે ભાઈઓની યુતિ કેટલી સફળ થઈ તે જોવાનું રહેશે.