મુંબઈમાં દૈનિક ડિમાન્ડ પાંચ ટનની, આવે છે માત્ર ત્રણ ટન

22 April, 2024 09:37 AM IST  |  Mumbai | Rohit Parikh

ઉત્પાદન ઓછું અને આયાત મર્યાદિત એટલે બીજી દાળોના અને કઠોળના ભાવમાં પણ વધારો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં દાળ અને કઠોળનું ઉત્પાદન ઓછું થયું હોવાને કારણે અને આયાત પણ ઓછી થઈ હોવાથી બજારમાં ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં તુવેરદાળ અને મગની દાળના ભાવમાં અનુક્રમે ૧૫ રૂપિયા અને ૧૦ રૂપિયાનો વધારો થયો છે. દાળના વેપારીઓ કહે છે કે દાળની આયાત થાય છે, પણ આ વખતે કોઈ કારણોસર આયાતમાં માલ પૂરતો આવ્યો નથી અને બીજી બાજુ આપણા દેશમાં પણ હવામાનને કારણે દાળનું ઉત્પાદન ઓછું થવાથી ભાવમાં ઉછાળો આવ્યો છે. જો સમયસર આયાતમાં નવો માલ નહીં આવે તો તુવેર અને અન્ય દાળોના ભાવમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો થવાની કોઈ જ શક્યતા નથી. ભાવવધારાને કારણે કેન્દ્ર સરકારે તમામ હોલસેલ વેપારીઓ, વેરહાઉસના માલિકો અને મિલમાલિકોને તુવેરદાળનો સ્ટૉક જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેથી એવી શક્યતા પણ છે કે ટૂંક સમયમાં વેચાણકર્તાઓ પર સરકાર તરફથી સ્ટૉકલિમિટ લાદવામાં આવશે. 

ગયા મહિના સુધી ૧૫૦૦ કિલોના ૧૦ ટેમ્પો એટલે કે ૧૫ ટન તુવેરદાળ દરરોજ મુંબઈમાં આવતી હતી જે ભાવ વધવાથી ઘટીને ત્રણ ટન થઈ ગઈ છે એમ જણાવીને ધ બૉમ્બે રીટેલ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એની સામે દૈનિક ડિમાન્ડ લગભગ પાંચ ટનની છે જેને કારણે ભાવ વધી રહ્યા છે. માર્ચ સુધી મુંબઈમાં તુવેરદાળનો જથ્થાબંધ ભાવ ૧૩૫થી ૧૪૦ રૂપિયા પ્રતિ કિલો હતો એ હવે વધીને ૧૫૮થી ૧૬૦ રૂપિયા થઈ ગયો છે. એને કારણે છૂટક ભાવ ૧૫૫ રૂપિયાથી વધીને ૧૭૦થી ૧૯૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જથ્થાબંધ બજારમાં ૯૫થી ૧૦૦ રૂપિયાના ભાવે મળતી મગની દાળ હવે ૧૧૦થી ૧૧૩ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તેથી છૂટક બજારમાં મગની દાળની કિંમત ૧૩૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. અડદની દાળનો ભાવ ૧૧૨થી ૧૧૫ રૂપિયા હતો જે હવે ૧૨૭ રૂપિયાથી વધીને ૧૨૯ રૂપિયા થઈ ગયો છે. ચણાનો ભાવ ૬૨ રૂપિયા હતો એ હવે ૬૮ રૂપિયા થઈ ગયો છે. જોકે ભાવ ઊંચકાઈ જતાં છૂટક વેપારીઓએ ખરીદી ઓછી કરી દીધી છે. રીટેલરો તબક્કાવાર ખરીદી કરે છે એટલે હાલમાં અછતની સ્થિતિ નથી, પરંતુ આયાતનો માલ આવતાં હજી બે મહિના લાગી જશે એટલે તુવેરદાળના ભાવ નજીકના ભવિષ્યમાં નવા શિખર પર પહોંચે તો નવાઈ નહીં.’

આ વર્ષનો કઠોળનો પાક આવી ગયો હોવા છતાં ઉત્પાદન ઓછું હોવાથી આખા વર્ષ દરમ્યાન દાળોના ભાવ ઊંચા રહેવાની શક્યતા રહેલી છે એમ જણાવતાં ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘઉં અને ચોખા જેવા અનાજના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી છે, પરંતુ કઠોળના ઉત્પાદનમાં હજી સુધી સ્વાવલંબન પ્રાપ્ત થયું નથી. વર્ષભર ચાલે એટલો પુરવઠો ન હોવાને કારણે કઠોળની આયાત કરવી પડે છે. ગયા વર્ષે ઉત્પાદન ઓછું થયું હતું અને આયાત પણ મર્યાદિત પ્રમાણમાં થઈ હોવાથી ૨૦૨૪ની શરૂઆતથી જ ભાવ વધી ગયા છે. મોટા ભાગનાં કઠોળ આફ્રિકન દેશો અને મ્યાનમારમાંથી આયાત કરવામાં આવે છે. આબોહવામાં પરિવર્તનને કારણે હવામાન પણ સહકાર આપી રહ્યું નથી એટલે કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થઈ હતી તો કેટલીક જગ્યાએ શુષ્ક હવામાનને કારણે ઊપજને અસર થઈ હતી જેને કારણે તુવેર અને મગની દાળના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ વર્ષે સમગ્ર દેશમાં પાક સરેરાશ કરતાં સાત ટકા વધુ રહ્યો હોવા છતાં ડિમાન્ડ સતત વધી રહી છે. કોઈ પણ વસ્તુઓના ભાવ પર ઘણાં બધાં પરિબળો અસર કરે છે, જેમ કે ​ડિમાન્ડ અને પુરવઠો તેમ જ પેટ્રોલ-ડીઝલના ભાવ. બીજી તરફ વિશ્વના ઘણા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આયાતને અસર થઈ રહી છે. દરિયાઈ માર્ગે અન્ય દેશોમાંથી આયાત કરવાથી પરિવહન-ખર્ચ વધે છે જેની અસર ભાવ પર પણ જોવા મળે છે. એને કારણે ભાવ વધી રહ્યા છે.’

રીટેલરો તબક્કાવાર ખરીદી કરે છે એટલે હાલમાં અછતની સ્થિતિ નથી, પરંતુ આયાતનો માલ આવતાં હજી બે મહિના લાગી જશે એટલે તુવેરદાળના ભાવ નજીકના ભવિષ્યમાં નવા શિખર પર પહોંચે તો નવાઈ નહીં.


ધ બૉમ્બે રીટેલ ગ્રેન ડીલર્સ અસોસિએશનના પ્રમુખ રમણીક છેડા

વિશ્વના ઘણા દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આયાતને અસર થઈ રહી છે. દરિયાઈ માર્ગે અન્ય દેશોમાંથી આયાત કરવાથી પરિવહન-ખર્ચ વધે છે જેની અસર ભાવ પર પણ જોવા મળે છે. એને કારણે ભાવ વધી રહ્યા છે.


ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના સેક્રેટરી ભીમજી ભાનુશાલી


રીટેલ માર્કેટમાં ગઈ કાલના એક કિલોના ભાવ રૂપિયામાં  (માલની ગુણવત્તા અને મુંબઈના જુદા-જુદા વિસ્તારોના આધારે)

તુવેરદાળ : ૧૫૦થી ૨૦૦
મગની દાળ : ૧૧૧થી ૧૬૦
ચણાદાળ : ૭૮થી ૧૦૦
મસૂર દાળ : ૭૮થી ૧૨૫
મગ : ૧૦૫થી ૧૬૦
અડદની દાળ : ૧૨૦થી ૧૬૦

mumbai news rohit parikh commodity market