07 September, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમૃતા ફડણવીસે મુંબઈમાં ક્વીન્સ ડ્રાઇવ ક્લબની કેન્સર જાગૃતિ સુપરકાર ડ્રાઇવને ફ્લેગ-ઓફ આપ્યું
ભારતના પ્રથમ ઓલ-વુમન સુપરકાર કોમ્યુનિટી ‘ક્વીન્સ ડ્રાઇવ ક્લબ’ (QDC) એ 6 સપ્ટેમ્બરના રોજ કેન્સર જાગૃતિ માટે સમર્પિત એક ખાસ ડ્રાઇવ સાથે મુંબઈમાં ભવ્ય પદાર્પણ કર્યું છે. જુહુ સ્થિત બાસ્તિયન બીચ ક્લબ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમનું ફ્લેગ-ઓફ મુખ્ય અતિથિ અમૃતા ફડણવીસે કરાવ્યું હતું. ડ્રાઇવ પૂર્ણ થયા બાદ બ્રંચ અને કેન્સર સર્વાઇવર્સ સાથે એક પ્રેરણાદાયી પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્સરના દર્દીઓની વાસ્તવિક લડાઈ, પ્રારંભિક નિદાન અને સમાજમાં ખુલીને વાતચીત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દેશમાં ક્લબની આ છઠ્ઠી અને મુંબઈમાં પ્રથમ આવૃત્તિ હતી, જેમાં બિઝનેસ, કોર્પોરેટ, ઉદ્યોગસાહસિકતા, રમતગમત અને કલા ક્ષેત્રની 70 થી વધુ પ્રભાવશાળી મહિલાઓએ સુપરકારનું સ્ટીયરિંગ સંભાળીને સામાજિક બદલાવનો સંદેશ આપ્યો હતો. રિતિકા જતિન આહુજા દ્વારા સ્થપાયેલી ‘ક્વીન્સ ડ્રાઇવ ક્લબ’ લક્ઝરી ઓટોમોટિવ ક્ષેત્રે મહિલાઓના શોખ સાથે શરૂ થઈ હતી, જે આજે 100 થી વધુ સભ્યો સાથે નેતૃત્વ, મિત્રતા અને સામાજિક પ્રભાવ ઊભો કરતું એક સશક્ત રાષ્ટ્રીય પ્લેટફોર્મ બની ગયું છે.
આ પહેલ અંતર્ગત QDC એ પાથ (PATH) ફાઉન્ડેશન અને વી કેર (V Care) ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વ્યાપક કેન્સર સારવાર, કીમોથેરાપી સત્રો, પેલિએટિવ કેર અને પોષણક્ષમ ભોજન સહાયમાં મોટું આર્થિક યોગદાન આપ્યું છે. પેલિએટિવ કેર ગંભીર બીમારીના લક્ષણો, દર્દ અને માનસિક તણાવમાંથી રાહત આપતી વિશિષ્ટ તબીબી સેવા છે. માત્ર જાગૃતિ પૂરતું સીમિત ન રહેતાં, QDC એ પાથ ફાઉન્ડેશન સાથે મળીને 1 લાખ કીમોથેરાપી ટ્રીટમેન્ટ સ્પોન્સર કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે, જેથી આર્થિક રીતે નબળા દર્દીઓને સીધી અને નક્કર તબીબી સહાય પહોંચાડી શકાય.
કાર્યક્રમ અંગે વાત કરતા મુખ્ય અતિથિ અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે, “એક સહિયારા શોખ સાથે સફળ મહિલાઓ એકઠી થાય અને સમાજના હિત માટે પોતાના સામર્થ્યનો ઉપયોગ કરે તે અત્યંત પ્રેરણાદાયી છે. કેન્સર દરેક વર્ગના પરિવારોને શારીરિક અને માનસિક રીતે અસર કરે છે, તેથી પ્રારંભિક તપાસ અને સારવાર અંગે જાગૃતિ લાવવી અતિ મહત્વપૂર્ણ છે. કલેક્ટિવ વોઇસ દ્વારા આટલા મોટા ઉદ્દેશ્યને ટેકો આપવા બદલ હું ક્વીન્સ ડ્રાઇવ ક્લબને અભિનંદન આપું છું.”
ક્વીન્સ ડ્રાઇવ ક્લબના સ્થાપક રિતિકા જતિન આહુજાએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ્ય માત્ર વૈભવી કાર ચલાવવા પૂરતો સીમિત નથી પરંતુ કેન્સરથી પ્રભાવિત અસંખ્ય પરિવારોને અર્થપૂર્ણ મદદ પૂરી પાડવાનો છે. આ ડ્રાઇવ માત્ર નેટવર્કિંગ માટે નહીં પરંતુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે છે.” જ્યારે પાથ ફાઉન્ડેશનના સ્થાપક સાક્ષી અગ્રવાલે ઉમેર્યું કે, ‘દરેક નાનો પ્રયાસ મહત્વનો છે’ અને કેન્સર જેવી બીમારી સામે લડવા સહાનુભૂતિ અને સહકાર અનિવાર્ય છે. બાસ્તિયન હોસ્પિટાલિટીના ફાઉન્ડર અને સીઈઓ રણજીત બિન્દ્રાએ પણ જીવન બચાવવાના આ અભિયાનમાં સહયોગ આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.