09 January, 2026 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કુન્દ્રા
ક્રિપ્ટોકરન્સી બિટકૉઇન સાથે જોડાયેલા સ્કૅમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા જ એક કેસમાં હવે સ્પેશ્યલ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમૅન રાજ કુન્દ્રા સામે પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવા માટે પ્રાથમિક રીતે પૂરતા પુરાવા છે. હવે રાજ કુન્દ્રાને બિટકૉઇન સ્કૅમ કેસમાં કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે. PMLA કેસ માટે રાજ કુન્દ્રાની સાથોસાથ દુબઈના બિઝનેસમૅન રાજેશ સતીજાને પણ ૧૯ જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા દાખલ કરાયેલી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં બન્નેને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. EDએ ચાર્જશીટમાં આક્ષેપ કર્યો છે કે રાજ કુન્દ્રાને ‘ગેઇન બિટકૉઇન’ પૉન્ઝી સ્કીમના માસ્ટરમાઇન્ડ અને પ્રમોટર અમિત ભારદ્વાજ પાસેથી યુક્રેનમાં બિટકૉઇન માઇનિંગ ફાર્મ સ્થાપવા માટે ૨૮૫ બિટકૉઇન મળ્યા હતા. જોકે આ ડીલ પૂરી નહોતી થઈ છતાં આ ૨૮૫ બિટકૉઇન પર કુન્દ્રાનો કબજો છે. આ બિટકૉઇનની વર્તમાન કિંમત ૧૫૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.