01 July, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રની શાળાઓમાં પ્રાથમિક શિક્ષણમાં પણ હિન્દીને ત્રીજી ભાષા તરીકે સામેલ કરવાને લઈએ વિવાદ વધ્યા બાદ, આખરે રાજ્યની મહાયુતિ સરકારે પીછેહઠ કરી હતી. સરકાર દ્વારા આ નિર્ણયને રોકવાની જાહેરાત કરવામાં આવી છે, તેમ છતાં પ્રાથમિક શાળાઓમાં હિન્દી ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ કરનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેએ આ મુદ્દે નિવેદન આપીને રાજ્ય સરકારની ટીકા કરવાનું શરૂ જ રાખ્યું છે અને આ અંગે ભવિષ્ય માટે કડક ચેતવણી આપી છે.
મનસેના વડા રાજ ઠાકરેએ સોમવારે કહ્યું કે હિન્દી વ્યાપકપણે બોલાતી હોય છે, પરંતુ તે અન્ય રાજ્યો પર લાદવામાં આવતી રાષ્ટ્રીય ભાષા નથી, અને હિન્દીને મરાઠીથી ઉપર રાખવાના પ્રયાસો સહન કરવામાં આવશે નહીં. મરાઠી એક જૂની ભાષા છે, તેથી આવા પ્રયત્નો સહન કરવામાં આવશે નહીં. શાળાઓમાં પ્રાથમિક વર્ગો માટે ‘હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાદવા’નો વિરોધ કરવામાં મનસે અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) મોખરે રહી છે. શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે હિન્દી ફરજિયાત કરવાના વધતા વિરોધને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે ત્રણ ભાષા નીતિના અમલીકરણ અંગેના બે સરકારી આદેશો પાછા ખેંચી લીધા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાષા નીતિ પર આગળ વધવાનો માર્ગ સૂચવવા માટે શિક્ષણવિદ નરેન્દ્ર જાધવની આગેવાની હેઠળ એક સમિતિની રચનાની જાહેરાત કરી.
પત્રકારો સાથે વાત કરતા, ઠાકરેએ કહ્યું, "લોકો 150 થી 200 વર્ષ જૂની હિન્દી ભાષાને મરાઠી કરતાં શ્રેષ્ઠ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મરાઠીનો ઇતિહાસ 3,000 વર્ષ કરતાં વધુ જૂનો છે. આ અસ્વીકાર્ય છે, અને હું તેને મંજૂરી આપીશ નહીં." તેમણે આટલી ભાષાકીય વિવિધતા ધરાવતા દેશમાં હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે બ્રાન્ડ કરવાની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો. "હિન્દી એ રાષ્ટ્રભાષા (રાષ્ટ્રીય ભાષા) નથી કે જેને અન્ય રાજ્યો પર લાદવામાં આવે. આ પ્રકારની બળજબરી યોગ્ય નથી," મનસે વડાએ કહ્યું. ફડણવીસ સરકારે 16 એપ્રિલે એક જીઆર બહાર પાડ્યો, જેમાં અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી. વિરોધ વચ્ચે, સરકારે 17 જૂને એક સુધારેલ જીઆર બહાર પાડ્યો, જેમાં હિન્દીને વૈકલ્પિક ભાષા બનાવવામાં આવી.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું
શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરકારે ‘હિન્દી લાદવા’ સામે રાજકીય પક્ષો દ્વારા સંયુક્ત વિરોધ ન થાય તે માટે ત્રિભાષી નીતિ પરના જીઆર પાછા ખેંચી લીધા છે. વિધાન ભવનમાં પત્રકારો સાથે વાત કરતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે "મરાઠી માણસો" ની એકતા દર્શાવીને મરાઠી દ્વેષીઓના માથા ભાંગી નાખવામાં આવ્યા હતા, અને "આગામી કટોકટી" પહેલાં સંયુક્ત મોરચો જાળવી રાખવો જોઈએ.