પ્રતિ શૅર ૧૦ રૂપિયા ડિવિડન્ડની જાહેરાત

23 April, 2024 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોથા ક્વૉર્ટરનો નફો ૨૧,૨૪૩ કરોડ રૂપિયા રહ્યો, આખા વર્ષની રેવન્યુ ૧૦ લાખ કરોડ રૂપિયાને પાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ના ચોથા ક્વૉર્ટરમાં સારો દેખાવ કર્યો છે અને આ સમયગાળા દરમ્યાન નેટ પ્રૉફિટ ૨૧,૨૪૩ કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ એના શૅરહોલ્ડરોને પ્રતિ શૅર ૧૦ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ચોથા ક્વૉર્ટરની કંપનીની રેવન્યુ ૨.૪૧ લાખ કરોડ રૂપિયા રહી હતી.  વર્ષ દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રેવન્યુ ૨.૬ ટકા વધી ૧૦ લાખ કરોડ રૂપિયા થઈ હતી જે એના વિવિધ બિઝનેસ સેગમેન્ટમાં સાતત્યપૂર્ણ ગ્રોથ દર્શાવે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ કંપનીનાં પરિણામો વિશે જણાવતાં કહ્યું હતું કે પ્રી-ટૅક્સ પ્રૉફિટમાં ૧ લાખ કરોડની થ્રીશોલ્ડ ક્રૉસ કરનારી રિલાયન્સ પહેલી ભારતીય કંપની બની છે. કૃષ્ણા ગોદાવરી બેસિનમાં KG-D6 બ્લૉકમાં કંપનીએ ૩૦ મિલ્યન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પર ડે (MMSCMD) પ્રોડક્શનની સિદ્ધિ હાંસલ કરી છે જે દેશના ડોમેસ્ટિક ગૅસ પ્રોડક્શનના ૩૦ ટકા થવા જાય છે. ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ગયા વર્ષની સરખામણીમાં કન્સોલિટેડ એબિટા (EBITDA) ૧૪.૩ ટકા વધીને ૪૭,૧૫૦ કરોડ થયો છે. ઑઇલ અને ગૅસ સેક્ટરમાં ગયા વર્ષની સરખામણીમાં ગ્રોથ ૪૭.૫ ટકા વધ્યો હતો, જ્યારે રીટેલ બિઝનેસમાં એ ૧૯.૫ ટકા વધ્યો હતો. 

રિલાયન્સની ટેલિકૉમ કંપની રિલાયન્સ જિયોએ ચોથા ક્વૉર્ટરમાં ૧.૦૯ કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા હતા. 5G નેટવર્કના ઝડપી રોલઆઉટને કારણે નવા ગ્રાહકો ઉમેરાયા છે અને ૧૦.૮ કરોડ ગ્રાહકો 5Gમાં માઇગ્રેટ થયા છે. ચોથા ક્વૉર્ટરમાં ૨૩,૨૦૭ કરોડનું કૅપિટલ એક્સપેન્ડિચર હોવા છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કૅશ પ્રૉફિટ ૩૭,૭૬૯ કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીના ચાર મુખ્ય સેગમેન્ટ ઑઇલ ટૂ કૅમિકલ્સ (O2C), ઑઇલ ઍન્ડ ગૅસ, રીટેલ અને જિયોએ જબરદસ્ત ઑપરેટિંગ પર્ફોર્મન્સ બતાવ્યો છે.

mumbai news reliance share market stock market mukesh ambani