યેઉર હિલ્સમાં વાનરો પર તીર ચલાવનારની માહિતી આપનાર માટે ૨૫,૦૦૦ રૂપિયાનું ઇનામ જાહેર

26 March, 2026 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦ અને બાવીસ માર્ચે અજાણી વ્યક્તિએ બે વાનરો પર તીરથી હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી

વનવિભાગે વાનરોને તીર મારનાર વ્યક્તિની માહિતી આપવા જાહેર કરેલી નોટિસ.

થાણેના યેઉર હિલ્સ વિસ્તારમાં બે વાનરો સાથે થયેલી ક્રૂરતાની ચોંકાવનારી ઘટનામાં થાણેના વનવિભાગે આરોપીની ઓળખ માટે ૨૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું છે. ૨૦ અને બાવીસ માર્ચે અજાણી વ્યક્તિએ બે વાનરો પર તીરથી હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હતી, જેના કારણે પ્રાણીઓની સુરક્ષા વિશે મોટી ચિંતા ઊભી થઈ છે. આ કેસમાં તમામ દિશામાં તપાસ કર્યા છતાં હજી સુધી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી નથી. તેથી આરોપીની ધરપકડ સુધી પહોંચવામાં મદદરૂપ બને એવી વિશ્વસનીય માહિતી આપનાર વ્યક્તિને ઇનામ આપવાનો નિર્ણય વનવિભાગે લીધો છે. યેઉર વિસ્તારના રહેવાસીઓ તેમ જ થાણેના નાગરિકોને તપાસમાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. વનવિભાગે લોકોને વિનંતી કરી છે કે આ ઘટના સંબંધિત કોઈ પણ માહિતી હોય તો આગળ આવીને શૅર કરે, જેથી આરોપીને પકડીને વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

તીર મારનાર વિશે માહિતી આપવા સંતોષ ડગલે (ફોન : 98926 84266) અથવા ચંદ્રકાંત ખંડવી  (ફોન : 93701 14399)નો સંપર્ક કરી શકાય છે.

thane crime thane municipal corporation thane maharashtra forest department wildlife